હવે આવું કર્યું તો બહારનો રસ્તો બતાવી દઈશ...', રાજ્યસભાના અધ્યક્ષ કોના પર ભડક્યાં?

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
હવે આવું કર્યું તો બહારનો રસ્તો બતાવી દઈશ...', રાજ્યસભાના અધ્યક્ષ કોના પર ભડક્યાં? 1 - image


Image Source: Twitter

Jagdeep Dhankhar on Derek O Brien: વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવાના મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવવાના મુદ્દા પર ચર્ચા કરવાની વિપક્ષની માંગને રાજ્યસભાના અધ્યક્ષે ફગાવી દીધા બાદ ગુરુવારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષના કેટલાક સભ્યોના અમર્યાદિત આચરણથી દુઃખી થઈને અધ્યક્ષ જગદીપ ધનખડે હું થોડા સમય માટે બેઠક પર બેસવા માટે સક્ષમ નથી એમ કહી વોકઆઉટ કરી લીધુ હતું. જોકે, આ હોબાળા વચ્ચે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ TMC સાંસદ ડેરેક ઓબ્રાયન પર ભડકી ગયા હતા અને કહ્યું કે, હવે આવું કર્યું તો બહારનો રસ્તો બતાવી દઈશ. 

રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે જ ભાજપના અજીત ગોપચડે પોતાનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. આ દરમિયાન TMC સાંસદ ડેરેક ઓબ્રાયન કંઈક કહી રહ્યા હતા. અધ્યક્ષે જ્યારે હંગામો કરી રહેલા સદસ્યોની વાતને નજરઅંદાજ કરી દીધી તો ગૃહમાં વધુ હોબાળો મચ્યો. વિપક્ષે ફોગાટના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ત્યારબાદ અધ્યક્ષે વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેને તક આપી. તેમણે કહ્યું કે, કાલે જ અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેમણે કહ્યું કે, આ મુદ્દો અંગત રીતે કોઈના માટે ચિંતામાં નાખનારો નથી. ખડગે હજી બોલી રહ્યા હતા કે, અધ્યક્ષે તેમને પૂછ્યું કે તમે કયો મુદ્દો ઉઠાવવા માગે છો? ખડગેએ કહ્યું કે ફોગાટનો મુદ્દો. તેના પર અધ્યક્ષે ખડગેને પૂછ્યું કે શું તમે આ મુદ્દે ચર્ચા કરવા માગો છો? વિપક્ષના નેતાએ કહ્યું, 'ચર્ચા કરો...આની પાછળ કોણ છે? અને માત્ર 100 ગ્રામ વધુ વજનના કારણે તેમને કેમ અયોગ્ય જાહેર કર્યા. 

જગદીપ ધનખડ TMC સાંસદ ડેરેક ઓબ્રાયન પર ભડક્યાં

અધ્યક્ષે ખડગેને તેમને આ મુદ્દો ઉઠાવવાની મંજૂરી આપતા રોક્યા અને કહ્યું કે હું આ ગૃહનો ઉપયોગ આવા મંચ તરીકે થવા નહીં દઈશ. તેમણે ખડગેને નિયમોનો ઉપયોગ કરવાનું કહ્યું. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો હતો. હંગામો જોઈને અધ્યક્ષે ડેરેકનું નામ લીધું અને કહ્યું કે તે ખુરશી પર બેસીને બૂમો પાડી રહ્યા છે. તેમણે ડેરેકને કહ્યું કે, ગૃહમાં સૌથી ખરાબ આચરણ તમારું છે. તમે સીટ પર બૂમો પાડી રહ્યા છો. હું તેની સખત નિંદા કરું છું. જો તમે આ જ કૃત્યનું પુનરાવર્તન કરશો તો તમને રાજ્યસભામાંથી બહાર તગેડી મૂકાશે. તમે ખુરશી પરથી બૂમો પાડવાની હિંમત કેવી રીતે કરી. ત્યારબાદ વિપક્ષમાં સામેલ કોંગ્રેસ-ટીએમસી અને અન્યો પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું.

વિપક્ષના વૉકઆઉટથી નારાજ થયા સભાપતિ ધનખડ 

જ્યારે વિપક્ષને વૉકઆઉટ કરતાં જોયો તો સભાપતિ ધનખડ ભારે નારાજ થયા. તેમણે કહ્યું કે માનનીય સાંસદ સભ્યો આ પવિત્ર ગૃહને અરાજકતાનું કેન્દ્ર બનાવવું, ભારતીય પ્રજાતંત્ર પર હુમલો કરવો, અધ્યક્ષની ગરિમા બગાડવી, શારીરિક રીતે પડકારજનક માહોલ પેદા કરવો તે અમર્યાદિત આચરણ નથી પણ તે દરેક મર્યાદાને વટાવતું આચરણ છે. 


Google NewsGoogle News