ગોગામેડી મર્ડર કેસ માટે SITની રચના, પૂરાવો આપનારને મળશે 5-5 લાખ રૂપિયાનું ઈનામ
ADG ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ તપાસ શરૂ
FIR નોંધાયા બાદ બંને પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાશે
જયપુર, તા.06 નવેમ્બર-2023, બુધવાર
રાજસ્થાન પોલીસ મહાનિદેશક (DGP) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના (Rajput Karni Sena)ના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ (Sukhdev Singh Gogamedi Murder Case)ની સઘન તપાસ કરવા વિશેષ તપાસ દળ (SIT)ની રચના કરી છે. આ SITની રચના ADG ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ કરાઈ છે. ગોગામેડી હત્યા કેસના બંને આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. FIR નોંધાતાની સાથે જ બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાશે. આરોપીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ અપાશે. ડીજીપીએ કહ્યું કે, હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જયપુરમાં મંગળવારે ગોગામેડીની ગોળી મારીને હત્યા કરનાર બંને આરોપીઓની ઓળખ જયપુરનો રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢનો નિતિન ફૌજી હોવાનું સામે આવ્યું છે.
રોહિત ગોદારા ગેંગનું કારસ્તાન
ઉલ્લેખનિય છે કે, જયપુરમાં મંગળવારે બે હુમલાખોરોએ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસી તેમના પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને અંજામ આપનાર હુમલાખોરોએ પોતાની સાથે આવેલા નવીન શેખાવતને પણ ગોળી મારી હતી અને ઘરમાં ઉપસ્થિત એક અન્ય વ્યક્તિ પણ ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. આ હુમલાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે.
હત્યા મામલે રાજસ્થાન બંધ, તણાવનો માહોલ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભરતપુરમાં પણ આજે શ્રી કરણી સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરતપુરમાં બજારો બંધ રહ્યા હતા. રાજપૂત સમાજના લોકોએ કુમ્હેર ગેટથી પાવર હાઉસ સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
હુમલાખોરોએ કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ ?
રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે, હુમલાખોરો વાતચીત કરવાના બહાને ગોગામેડીના નિવાસે આવ્યા હતા અને થોડીવાર સુધી વાતચીત કર્યા બાદ ગોગામેડી પર ફાયરિંગ કર્યું, ગોગામેડીના ગાર્ડે પણ જવાબી ફાયરિંગ કર્યું. ડીજીપી મિશ્રાએ કહ્યું કે, ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પોતાની સાથે આવેલા નવીન શેખાવતને પણ ગોળી મારી દીધી, જેમાં ગોગામેડી અને નવીનનું મોત થયું, જ્યારે પરિચિત અજીત ગંભીર ઈજાગ્રસ્ત છે.