કરણી સેના પ્રમુખ સુખદેવસિંહની ધોળે દિવસે હત્યા

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
કરણી સેના પ્રમુખ સુખદેવસિંહની ધોળે દિવસે હત્યા 1 - image


- રાજપુતોમાં રોષ, બંધનું એલાન

- સુખદેવસિંહનું કામ છે કહીને ઘરમાં પ્રવેશ્યા, સાથે નાસ્તો કર્યો પછી ગોળીબાર કર્યો

- રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ, કરણી સેનાએ નેશનલ હાઇવે જામ કર્યો, હત્યારાઓને શોધવા સમગ્ર રાજ્યમાં નાકાબંધી

- હત્યા પાછળ ગેંગસ્ટરોનો હાથ હોવાની પોલીસને શંકા, સુખદેવસિંહની અમે હત્યા કરી હોવાનો ગોલ્ડી-લોરેંસ ગેંગનો દાવો

- હત્યારાઓએ 17 ગોળીઓ ચલાવી હતી, સુખદેવસિંહના સુરક્ષા ગાર્ડ અને અન્ય એક સાથી પણ ઘાયલ

જયપુર : રાજસ્થાનમાં સત્તા પરિવર્તન વચ્ચે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની મંગળવારે બપોરે ઉદયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સુખદેવસિંહને મળવું છે એમનું કામ છે એવુ કહીને ઘરમાં ઘુસેલા શૂટરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો, બાદમાં સુખદેવસિંહ સાથે સામાન્ય નાગરિક બની વાતચીત કરી રહ્યા હતા એવામાં પોતાની પાસે રહેલી બંદુકો કાઢીને ગોળીઓ વરસાવી નાસી છૂટયા હતા. જતા જતા એક હત્યારાએ સુખદેવસિંહના માથામાં ગોળી મારી હતી. જેને કારણે તેમનું તાત્કાલીક મોત નિપજ્યું હતું. 

આ સમગ્ર ઘટના સુખદેવસિંહના ઘરમાં તૈનાત સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી. સુખદેવસિંહ ગોગામેડી રાજસ્થાનમાં તેમજ અન્ય રાજ્યોમાં રાજપુત સમાજમાં મોટુ પ્રભુત્વ ધરાવતા હતા, આ હત્યાને પગલે રાજપુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના રાજપુતોએ ઉદયપુર બંધનું એલાન કર્યું હતું. કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક અજીતસિંહ મામડોલીએ કહ્યું હતું કે આ હત્યા પાછળ કોઇ મોટા સંગઠન કે ગેંગનો હાથ હોઇ શકે છે. જો આ મામલામાં આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવામાં ના આવ્યા તો કરણી સેના રાજસ્થાનમાં મોટુ આંદોલન કરશે. સુખદેવસિંહ ગોગામેડીને ઘણા સમયથી ધમકીઓ મળી રહી હતી. એવા અહેવાલો છે કે આ હત્યા પાછળ ગેંગસ્ટર રોહિત ગોદારા, લોરેન્સ બિષ્ણોઇ અને ગોલ્ડી બરારનો હાથ હોઇ શકે છે. આ ગેંગમાં સામેલ કેટલાક ગેંગસ્ટરે સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી લીધી છે. જોકે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ સમગ્ર રાજસ્થાન અને ઉદયપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રોડ પર હાઇવે પર બેરિકેડિંગ કરીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. ઉદયપુરના ઝાડોલમાં કરણી સેનાના કાર્યકર્તાઓએ નેશનલ હાઇવે ૫૮ઇ પર પીપલા વિસ્તારમાં જામ કર્યો હતો. આક્રોશિત કાર્યકર્તાઓએ ટાયરો સળગાવીને પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મેવલમાં તેમજ રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં રાજપુતો દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. આ હત્યા બાદ સોશિયલ મીડિયા પર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પત્ર વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ગેહલોતે દિવાળી પર સુખદેવસિંહને લખ્યો હતો. જેમાં સુખદેવસિંહને શુભેચ્છા પાઠવી હતી. વાયરલ પત્ર અનુસાર સુખદેવસિંહ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ટિકિટ માગી રહ્યા હતા તેવો દાવો થઇ રહ્યો છે. જે બાદ ગેહલોતે પત્ર લખીને સુખદેવસિંહને વચન આપ્યું હતું કે તેઓ તેમનું પુરુ ધ્યાન રાખશે. આ સમગ્ર હત્યાકાંડ પાછળ કોણ જવાબદાર છે તેને લઇને પોલીસ દ્વારા હજુ પણ કોઇ ચોક્કસ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી, હત્યારાઓ હત્યા કરીને ફરાર થઇ ગયા, જયપુરના પોલીસ કમિશનરે કહ્યું હતું કે હત્યા માટે ત્રણ લોકો આવ્યા હતા, સુખદેવસિંહ સાથે વાતચીત કરવી છે તેવું કહીને પ્રવેશ્યા, બાદમાં સુખદેવસિંહે આ ત્રણેય પર વિશ્વાસ કરીને તેમને નાસ્તો પણ કરાવ્યો હતો. બાદમાં હત્યારાઓએ ઉભા થઇને સુખદેવસિંહ પર ગોળીબાર કરી દીધો હતો. આશરે ૧૭ જેટલી ગોળીઓ છોડી હતી. સુખદેવસિંહના સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી છે. જવાબી કાર્યવાહીમાં ત્રણેય હત્યારાઓને પણ ગોળી વાગી હોવાના અહેવાલો છે. હત્યારાઓ કાર લઇને આવ્યા હતા પણ ડ્રાઇવર માર્યો ગયો હોવાથી બાદમાં હત્યારા સ્કૂટી લઇને ભાગી ગયા હતા. આ હત્યા બાદ રાજસ્થાનના રાજ્યપાલે રાજ્યના ડીજીપીને બોલાવ્યા હતા અને સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો હતો.

પદમાવત ફિલ્મ, આનંદપાલ એન્કાઉન્ટર બાદ સુખદેવસિંહ ચર્ચામાં આવ્યા હતા

સુખદેવસિંહ ગોગામેડી લોકેન્દ્રસિંહ કાલવી દ્વારા સ્થાપિત રાજપુત કરણી સેનામાં સામેલ હતા, બાદમાં તેઓએ અલગ કરણી સેના સંગઠન બનાવ્યું હતું. પદમાવત ફિલ્મના વિરોધને કારણે સુખદેવસિંહ ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત આનંદપાલના એન્કાઉન્ટરમાં મોત બાદ રાજપુત સમાજ માટે ધરણા પણ કર્યા હતા. રાજસ્થાનમાં મફત એમ્બ્યૂલંસ સેવા વગેરે કામો પણ કરતા હતા. રાજસ્થાન, ગુજરાત અને અન્ય રાજ્યોમાં રાજપુતોમાં સુખદેવસિંહ પ્રખ્યાત હતા. તેઓ ગુજરાતમાં પણ કેટલીક રેલીઓ અને સભાઓ કરી ચુક્યા છે. સુખદેવસિંહની હત્યા પાછળ કોણ જવાબદાર છે અને કેમ આ હત્યા કરવામાં આવી તેને લઇને પોલીસ તપાસ કરી રહી છે.


Google NewsGoogle News