Get The App

'હવે ત્યાંના લોકો કહી રહ્યા છે કે...', લોકસભા ચૂંટણી પહેલા PoKને લઈને રાજનાથ સિંહનું મોટું એલાન

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
'હવે ત્યાંના લોકો કહી રહ્યા છે કે...', લોકસભા ચૂંટણી પહેલા PoKને લઈને રાજનાથ સિંહનું મોટું એલાન 1 - image


Rajnath Singh on China : દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અરૂણાચલ પ્રદેશના નામસાઈ વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'ભારત પર ખરાબ નજર રાખનારાને જડબાતોડ જવાબ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીના સત્તામાં રહેતા દેશની જમીન પર એક ઈંચ પણ કબજો ન કરી શકે. પાકિસ્તાનને આતંકવાદના પરિણામ ભોગવવા પડશે. જીવનમાં મિત્ર બદલી શકાય છે પરંતુ પાડોશી નહીં. પીઓકે આપણું હતું, છે અને રહેશે.'

'પીઓકેના લોકો પણ કહે છે કે અમે ભારતની સાથે આવીશું

રાજનાથ સિંહે કહ્યું કે, 'જો પાકિસ્તાનને લાગે છે કે તેઓ આતંકવાદીઓને કાબૂ કરવામાં અસમર્થ છે, તો ભારત મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને આતંકવાદના પરિણામ ભોગવવા પડશે. હવે પીઓકેના લોકો પણ કહે છે કે અમે ભારતની સાથે આવીશું. પીઓકે આપણું હતું, છે અને રહેશે, એવું માનીને ચાલીએ છીએ. આ વખતે સવાલ વ્યક્તિનો નથી, પરંતુ દેશનો છે. તમે લોકો ભારત માતાનું શીશ ઉઠાવવા માટે આ વખતે મત આપવા જઈ રહ્યા છો.'

'અમે ચીનના વિસ્તારનું નામ બદલીશું તો શું તે અમારું થઈ જશે'

રાજનાથ સિંહે કહ્યું કે, 'હું ચીનને પૂછવા માગુ છું કે જો અમે પાડોશી દેશના અલગ અલગ રાજ્યોના નામ બદલી નાખીશું તો શું તે આપણા થઈ જશે? આવી જ ગતિવિધિઓના કારણે સંબંધ ખરાબ થઈ રહ્યા છે.'

ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે: રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ અગાઉ પણ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવા પર ચીનને આડેહાથ લીધું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે, 'શું નામ બદલવાથી પાડોશી દેશના વિસ્તારો ભારતનો ભાગ બની જશે? ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના નિર્ણયથી જમીની હકીકત બદલાશે નહીં. અમે અમારા બધા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માગીએ છીએ. પરંતુ જો કોઈ અમારા સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે.'

ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે જંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યોદી જાહેર કરી હતી. જેમાં ચીન અરુણાચલ પ્રદેશને જંગનાન કહે છે અને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના 30 સ્થળોને નવા નામ આપ્યા હતા, જે પહેલી મેથી લાગુ થશે. ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવીને નકારી દોધી હતો અને કહ્યું હતું કે, 'આમ કરવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ હંમેશા ભારતનું જ રહેશે.' 

ચીન પહેલા પણ આવું કૃત્ય કરી ચૂક્યું 

અગાઉ વર્ષ 2017માં પણ ચીને અરુણાચલ પ્રદેશમાં છ સ્થળો માટે પ્રમાણિત નામોની પ્રાથમિક યાદી જાહેર કરી હતી. ત્યારબાદ વર્ષ 2021માં 15 સ્થાનોના નામ ધરાવતી બીજી યાદી જાહેર કરી હતી. જો કે, ભારતે અરુણાચલ પ્રદેશના વિસ્તારો પર દાવો કરવાના ચીનના પ્રયાસને નકારી કાઢ્યો છે.


Google NewsGoogle News