સિંગાપુર સ્થિત INA સ્મારક ઉપર રાજનાથ સિંહે પુષ્પહારો ચઢાવ્યા
- સંરક્ષણ મંત્રીએ ભગવાન વિષ્ણુના મંદિરમાં પ્રાર્થના કરી
- આ સાથે તેઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રધ્ધાંજલી અર્પી, જુલાઈ 1945માં નેતાજીએ 'અજ્ઞાત સૈનિકો'ના સ્મારકોનો ત્યાં પાયો નાખ્યો હતો
સિંગાપુર : ઈન્ડોનેશિયાથી પાછા ફરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સિંગાપુરમાં કેટલોક સમય રોકાયા હતા અને નેતાજી બોઝે રચેલા ઈંડીયન નેશનલ આર્મી (આઈએનએ)ના સ્મારક ઉપર પુષ્પહારો ચઢાવ્યા હતા. આ સાથે તેઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ શ્રધ્ધાંજલિ અર્પી હતી.
વાસ્તવમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતે જ જુલાઈ ૧૯૪૫માં 'અજ્ઞાત સૈનિકો'ના સ્મરણમાં આ સ્મારક રચવા માટે પાયો નાખ્યો હતો. તે પછી સિંગાપુરમાં વસતા ભારતીઓએ અહીં એક નાનું સ્મારક રચ્યું હતું. ૧૯૯૫માં સિંગાપુરનાં 'નેશનલ હેરિટેજ બોર્ડે' ત્યાં વિશાળ સ્મારક રચાવ્યું હતું અને તેને રાષ્ટ્રીય વિરાસત તરીકે પણ જાહેર કર્યું હતું.
આ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પ્યા પછી રાજનાથસિંહે અહીં આવેલા ભગવાન વિષ્ણુના મંદિર શ્રી શ્રીનિવાસ પેરૂમલ મંદિરમાં પ્રાર્થના કરી હતી. ૧૮૫૫માં રચાયેલું આ મંદિર સિંગાપુર સ્થિત સૌથી જૂના હિન્દુ મંદિરો પૈકીનું એક છે.
આ પછી સિંગાપુરમાં ભારતીયોની વસ્તી ધરાવનાર 'લિટલ ઈંડીયા' કહેવાતા વિસ્તારની પણ મુલાકાત લીધી હતી, ત્યાં ઇન્ડિયન હેરિટેજ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ કેન્દ્રની સ્થાપના (સિંગાપુરના) નેશનલ હેરિટેજ બોર્ડે ૨૦૧૫માં કરી હતી. તેમાં સૈકાઓ પૂર્વે સિંગાપુરમાં આવીને વસેલા ભારતીય વસાહતીઓ વિષેની માહિતી આપવામાં આવી છે. તેને દસ્તાવેજી સ્વરૂપ પણ અપાયું છે, આ સંકુલમાં કુલ પાંચ ગેલેરીઝ પણ રહેલી છે.