Get The App

અમેરિકાએ તેજસ વિમાનના એન્જિનની ડિલિવરી અટકાવતા રાજનાથે દોડવું પડયું

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
અમેરિકાએ તેજસ વિમાનના એન્જિનની ડિલિવરી અટકાવતા રાજનાથે દોડવું પડયું 1 - image


- સંરક્ષણ મંત્રીની અમેરિકા મુલાકાત અંગે રશિયન મીડિયાનો વધુ એક દાવો

- રાજનાથની મુલાકાત સમયે જ સંરક્ષણ ઉપકરણોની ડિલિવરીના અવરોધો દૂર કરવા ભારત-અમેરિકાએ એસઓએસએ કરાર કર્યા

- ભારતને એન્ટી-સબમરીન વોરફેર સોનોબુઓયુ વેચવા અમેરિકાની મંજૂરી

નવી દિલ્હી/વોશિંગ્ટન : ભારતમાં મોદી સરકાર ઉથલાવી દેવાનું અમેરિકાએ કાવતરું ઘડયું હોવાનો દાવો કર્યા પછી રશિયન મીડિયા સ્પુતનિક ઈન્ડિયામાં અમેરિકા વિરુદ્ધ વધુ એક આક્ષેપ કરાયો છે. અમેરિકા ભારતને નુકસાન પહોંચાડવા માટે ઈરાદાપૂર્વક ભારતના ફાઈટર જેટ તેજસ માર્ક-૧એ માટેના એન્જિન જીઈ એફ-૪૦૪ની ડિલિવરીમાં વિલંબ કરી રહ્યું છે, જેના પગલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા દોડી જવું પડયું છે. આ અહેવાલો વચ્ચે રાજનાથ સિંહે અમેરિકન સંરક્ષણ મંત્રી સાથે એસઓએસએ કરાર કર્યા હતા.

ભારતીય એરફોર્સ માટે તેજસ માર્ક-૧એ પ્રોગ્રામ ખૂબ જ મહત્વનો છે અને તેના માટે અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રિકના જીઈ એફ-૪૦૪ એન્જિનની સમયસર ડિલિવરી થાય તે પણ ખૂબ જ મહત્વનું છે. ભારત અને અમેરિકાએ તાજેતરના વર્ષોમાં સંરક્ષણ સંબંધોને ખૂબ જ મજબૂત બનાવતા કેટલાક કરાર પણ કર્યા હતા, જેમાં અપાચે હેલિકોપ્ટર્સ, એમક્યુ-૯બી ડ્રોન્સની ખરીદી અને જીઈ એફ૪૧૪ જેટ એન્જિન્સના સંયુક્ત ઉત્પાદનના કરારનો સમાવેશ થાય છે. જોકે, એફ-૪૦૪ એન્જિન જેવા નિર્ણાયક કોમ્પોનન્ટના સપ્લાયમાં વિલંબથી ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ સર્જાઈ શકે છે.

ભારતમાં ઉસાનાસ ફાઉન્ડેશનના સીઈઓ ડૉ. અભિનવ પંડયાએ જીઈ એફ-૪૦૪ એન્જિનના સપ્લાયમાં વિલંબ સામે સવાલો ઊઠાવ્યા હતા. રશિયન મીડિયા સ્પુતનિક ઈન્ડિયાના અહેવાલ મુજબ ડૉ. પંડયાએ ભારતને નુકસાન પહોંચાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે અમેરિકા આ એન્જિનની ડિલિવરીમાં વિલંબ કરી રહ્યું છે. જોકે, તેમનું કહેવું હતું કે આ હાલ માત્ર આશંકાઓ છે તેને પુરવાર કરવા માટે વધુ પુરાવાઓ જરૂરી છે.

જોકે, અમેરિકાએ સત્તાવાર રીતે જીઈ એફ-૪૦૪ એન્જિનના વિલંબ માટે વૈશ્વિક સપ્લાય ચેઈનને જવાબદાર ઠેરવ્યું છે. આ સમસ્યાના કારણે એન્જિનની ડિલિવરી ૧૧ મહિના પાછી ઠેલાઈ છે. જીઈ એરોસ્પેસે ડિલિવરીમાં વિલંબ અંગે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ને જાણ કરી દીધી છે ત્યારે આ મુદ્દો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અમેરિકાની હાલની ચાર દિવસની મુલાકાતમાં ઉઠાવાયો હોવાનું મનાય છે. દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વોશિંગ્ટન મુલાકાત સમયે ભારત અને અમેરિકાએ બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર એવા સિક્યોરિટી ઓફ સપ્લાય અરેન્જમેન્ટ (એસઓએસએ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી બંને દેશોની સંરક્ષણ ક્ષેત્રમાં પૂરવઠા શ્રેણીમાં આવતા અવરોધો દૂર કરવા માટે જરૂરી ઔદ્યોગિક સંશાધનો હાંસલ કરવામાં સક્ષમ બનાવશે તેમજ બંને દેશના સંરક્ષણ ક્ષેત્રમાં નવી કમર્શિયલ તકોના દરવાજા ખોલશે. રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સંરક્ષણ મંત્રી ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. આ સાથે અમેરિકા ભારત સાથે એન્ટી-સબમરીન વોરફેર સોનોબુઓય આપવાનો પણ કરાર કર્યો છે.

આ સાથે અમેરિકાએ ભારતને એન્ટી-સબમરીન વોરફેર એએસડબ્લ્યુ સોનોબુઓય આપવાની મંજૂરી આપી દીધી છે. ભારત અને અમેરિકાએ આ ૫૨.૮ મિલિયન એટલે કે રૂ. ૪૪૨ કરોડનો સોદો કર્યો છે.


Google NewsGoogle News