Get The App

TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય, 428 કર્મચારી-અધિકારીની ભરતી કરશે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય, 428 કર્મચારી-અધિકારીની ભરતી કરશે 1 - image


Rajkot Municipal Corporation Recruitment : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ મહાનગર પાલિકાએ આજે ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મળતાં અહેવાલો મુજબ મનપાએ ચીફ ફાયર ઑફિસર સહિત 428 કર્મચારીઓની ભરતી કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. હાલ રાજકોટ મનપામાં 250 જેટલા કર્મચારીઓ કાર્યરત છે, ત્યારે આ ભરતી કરવામાં આવ્યા બાદ મનપામાં કુલ 696 કર્મચારીનો સ્ટાફ થઈ જશે.

આ ભરતી પ્રક્રિયા માટે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે. આ ઉપરાંત અગ્નિકાંડ સહિત અપ્રમાણસરની મિલકતોના કેસના આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઑફિસર એમ. ડી. સાગઠિયા સામે ACBના ગુના અંગે કામ ચલાવવા સહિત 46 જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

મનપા ઇતિહાસની સૌથી મોટી ભરતી કરશે

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 25મી મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં મનપાની ફાયર શાખાના અધિકારીઓ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો.

બીજી તરફ હાઇકોર્ટે અને રાજ્ય સરકારે પણ આવી ગંભીર બેદરકારી અને ગુના રોકવા માટે અનેક નિર્દેશો જાહેર કર્યા હતા, ત્યારે આવી ઘટના અટકાવવા અને બેદરકારી કરતાં તત્ત્વો પર ધ્યાને કેન્દ્રિત કરવા પર વિશેષ ધ્યાન આપવા મનપા દ્વારા ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવાની તૈયારી શરુ કરી દેવાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં બનશે સૌથી મોટો ફૂડ પાર્ક, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત વખતે લેવાયેલો નિર્ણય

હદ વધવાની સાથે મનપા-ફાયર બ્રિગેડની કામગીરી વધી

રાજકોટની વાત કરીએ તો શહેરમાં છેલ્લા નવ વર્ષમાં બે વખત હદ વધારવામાં આવી છે, જેમાં નવા ગામો અને શહેરો પણ ભળતા જાય છે, જેના કારણે મહાનગર પાલિકાની અને ફાયર બ્રિગેડની કામગીરીમાં વધારો થયો છે, તેથી મનપાનો સેટઅપ તૈયાર કરવા તેમજ નવી ભરતી પ્રક્રિયાના નિયમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખાનું સ્ટાફ સ્ટેઅપ રિવાઇઝ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં કમિશ્નર દેવાંગ દેસાઈએ મોકલી અપાયા છે.

જાણો, કયાં કયાં પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવાની તૈયારી કરાઈ છે, જેમાં એક ચીફ ફાયર ઑફિસર, એક ડેપ્યુટી ઑફિસર, એક ઓએસ, 16 સ્ટેશન ઑફિસર, 26 લિડિંગ ફાયરમેન, 11 ક્લાર્ક, 168 ફાયર ઓપરેટર, 30 ડ્રાઇવર, બે પટાવાળા, 12 ક્લીનરનો સમાવેશ થાય છે. મળતાં અહેવાલો મુજબ ડેપ્યુટી ફાયર ઑફિસરની તેમજ સ્ટેશન ઑફિસરની લાયકાતમાં સુધારો કરવામાં આવશે.

અન્ય પોસ્ટની વાત કરીએ તો મનપા દ્વારા રિવાઇઝ સેટઅપમાં ચીફ ફાયર ઑફિસરની એક જગ્યા, ડેપ્યુટી ઑફિસરની બે, મેનેજરની બે, ઓએસ, ડિવિઝનલ ઑફિસરની ચાર નવી જગ્યા, 32 સ્ટેશન ઑફિસર, 70 નવા ફાયર સબ ઑફિસર, 44 નવા લિડિંગ ફાયરમેન, 10 નવા વર્ક આસિસ્ટન્ટ, ત્રણ નવા સિનિયર અને ત્રણ જુનિયર કલાર્કની જગ્યા તેમજ 272 નવા ફાયર ઓપરેટરની જગ્યા ઊભી કરવામાં આવશે.

આવતીકાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય થયા બાદ ભરતીની પ્રક્રિયા શરુ કરાશે.

આ પણ વાંચો : ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર, આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા


Google NewsGoogle News