ભાજપના એ ઉમેદવાર જેમણે લાલુ પરિવારનો મુકાબલો કર્યો, ક્યારેક હાર્યા ક્યારેક જીત્યાં, હવે ફરી મેદાને

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ભાજપના એ ઉમેદવાર જેમણે લાલુ પરિવારનો મુકાબલો કર્યો, ક્યારેક હાર્યા ક્યારેક જીત્યાં, હવે ફરી મેદાને 1 - image


Lok Sabha Elections 2024: બિહારના રાજકારણમાં લાલુ યાદવનો પરિવાર પાવર સેન્ટર રહ્યો છે. આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં લાલુ યાદવ વિપક્ષના ગઠબંધનની ડ્રાઇવિંગ સીટ પર છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ સારણ બેઠક પરથી ઉભી રહીને ચૂંટણીનો આગાઝ કરી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી ભાજપે રાજીવ પ્રતાપ રૂડીને મેદાનમાં ઉતાર્યા છે. 

રાજીવ પ્રતાપ રૂડીની યાદવ પરિવાર સામે હાર અને જીત

રાજીવ પ્રતાપ રૂડીની ખાસ વાત એ છે કે તેઓ લાલુ પ્રસાદ યાદવ સામે હારી ગયા છે જ્યારે રાબડી દેવીને હરાવ્યા છે. હવે લોકસભા 2024ની ચૂંટણીમાં તેમની લાલુ યાદવની પુત્રી રોહિણી સામે ટક્કર થશે. હવે જોવાનું રહેશે કે આ બેઠક પરથી તેમની જીત કે પછી રોહિણી સામે હાર થાય છે. રાજીવ પ્રતાપ રૂડી 1990માં પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. આ પછી તેમણે લાલુ યાદવનો ગઢ ગણાતી બેઠક પરથી 1996માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. આ એ સમય હતો જ્યારે લાલુ યાદવ બિહારના રાજકારણમાં પાવર સેન્ટર હતા. જો કે 1998ની ચૂંટણીમાં ભાજપે ફરી રૂડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ તે સમયે હીરાલાલ રાયે રૂડીને હરાવીને આ બેઠક ફરી એકવાર આરજેડીના હાથમાં અપાવી હતી. ત્યારબાદ રૂડી 1999માં ફરી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.

2004માં લાલુ યાદવે પોતાની બેઠક પાછી મેળવી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ યાદવે 2004માં પોતાનો ગઢ પાછો મેળવવા માટે સારણ (તે સમયે છાપરા) બેઠક પરથી ચૂંટણીના મેદાનમા ઉતર્યા હતા. ભાજપે લાલુ યાદવની સામે રાજીવ પ્રતાપને જ ટિકિટ આપી હતી, જો કે લાલુ પ્રસાદ યાદવે રાજીવ પ્રસાદને લગભગ 60 હજાર મતોના અંતરથી હરાવીને ફરી બેઠક કબજે કરી હતી. આ પછી લોકસબા 2014ની ચૂંટણીમાં ચિત્ર ફરી બદલાયું. ચારા કૌભાંડ કેસમાં દોષિત જાહેર થયા બાદ લાલુ યાદવ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગ્યો હતો. લાલુએ આ બેઠક પરથી તેમની પત્ની અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને મેદાનમાં ઉતાર્યા હતા.

2014માં ભાજપે ફરી રૂડીને મેદાનમાં ઉતાર્યા

તે સમયે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર હતી ત્યારે લાલુ યાદવે પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી હતી. નેતાઓ અને કાર્યકરોને એકત્ર કર્યા પરંતુ પરિણામ રૂડીની તરફેણમાં આવ્યું હતું. રૂડીએ રાબડી દેવીને 40 હજાર 948 વોટથી હરાવ્યા હતા. ભાજપે 2019માં ફરી રૂડીને ટિકિટ આપીને જેની લાલુ યાદવના નજીકની મિત્ર ચંદ્રિકા રાય સાથે ટક્કર થઈ હતી. એ વખતે રાજીવ પ્રતાપ રૂડીનો જાદુ અને મોદી લહેરમાં તેમણે ચંદ્રિકા રાયને એક લાખ 38 હજાર 429 મતોના જંગી અંતરથી પરાજય આપ્યો હતો.

આ બેઠક પર લાલુ યાદવ અને રાજીવ રૂડી ચાર-ચાર વખત જીત્યા

નોંધનીય છે કે સારણ બેઠક પર રૂડીનો બે વખત લાલુ યાદવ, એક વખત રાબડી દેવી અને એક વખત લાલુના નજીકની મિત્ર ચંદ્રિકા યાદવનો સામનો થયો હતો. લાલુ યાદવ સામે બંને ચૂંટણીમાં રૂડીનો પરાજય થયો હતો પરંતુ અન્ય કોઈ સભ્ય કે સંબંધી તેમની સામે ચૂંટણી જીતી શક્યો નથી. સારણ લોકસભા બેઠકનું નામ પહેલા છપરા હતું. છપરા શહેર સારણ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. આ બેઠક પરથી સૌથી વધુ વખત સંસદમાં પહોંચવાની બાબતમાં રૂડી, આરજેડી ચીફ લાલુ યાદવની બરાબરી પર છે. આ બંને નેતાઓ ચાર-ચાર વખત આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. લાલુ યાદવ 1977, 1989, 2004 અને 2009માં આ બેઠક પરથી સાંસદ હતા જ્યારે રૂડી 1996, 1999, 2014 અને 2019માં આ બેઠક પરથી સાંસદ હતા.

ભાજપના એ ઉમેદવાર જેમણે લાલુ પરિવારનો મુકાબલો કર્યો, ક્યારેક હાર્યા ક્યારેક જીત્યાં, હવે ફરી મેદાને 2 - image


Google NewsGoogle News