રાજસ્થાનમાં ભાજપ બનાવશે 'યોગી' સરકાર, મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર બાલકનાથ, જાણો તેના વિશે
Yogi Sarkar in Rajthan: રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023માં બીજેપીએ તેના સાત સાંસદને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સાંસદ મહંત બાબા બાલકનાથ યોગીનું નામ પણ સામેલ છે. તેઓ તિજારા વિધાનસભા સીટ પરથી તેમની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના 36 વર્ષીય પૂર્વ બીએસપી નેતા ઇમરાન ખાનની હાર થઇ છે. બાબા બાલકનાથે 2019ની લોકસભાની ચુંટણીમાં અલવરથી કોંગ્રેસના ભંવર જીતેન્દ્ર સિંહને હરાવ્યા હતા. બાલકનાથ બીજેપીના ફાયર બ્રાંડ નેતા માનવામાં આવે છે. તેમના ચુંટણી પ્રચાર માટે યુપીના સીએમ યોગી પણ પહોંચ્યા હતા.
શું ભાજપ રાજસ્થાનમાં પણ બનાવશે યોગી સરકાર?
હવે સવાલ એ છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે? શું વસુંધરા રાજે સિંધિયા જ મુખ્યમંત્રી હશે કે પછી ભાજપ કોઈ નવા ચહેરા પર દાવ ખેલશે? આ ચર્ચાનું કારણ એ છે કે ભાજપે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો ન હતો. બીજી તરફ, વસુંધરા રાજેની લોકપ્રિયતા ઘટી છે જ્યારે તિજારા વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર (સાંસદ) બાલકનાથની લોકપ્રિયતા વધી છે. તેઓ રાજસ્થાનના લોકપ્રિય કોંગ્રેસી નેતા અશોક ગેહલોત પછી બીજા ક્રમે છે. એક એક્ઝિટ પોલમાં પણ દસ ટકા લોકોએ બાલકનાથને મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ ગણાવ્યા હતા. આ સ્થિતિમાં ભાજપ તેમને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે.
મહંત બાલકનાથ યોગી અલવરના સાંસદ છે. ભાજપે તેમને તિજારા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓમાંના એક બાબા બાલકનાથ યોગી આદિત્યનાથ જેવા પોશાક પહેરે છે. એટલા માટે લોકો તેમને રાજસ્થાનના યોગી પણ કહે છે. વળી, તેઓ એ જ નાથ સંપ્રદાયના સંત છે, જેની સાથે ઉત્તર પ્રદેશના મુખ્મંયત્રી યોગી આદિત્યનાથ સંકળાયેલા છે. બાલકનાથ રોહતકના બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરામાં ગોરખપુર ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રોહતકની ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો મળેલો છે. એ રીતે નાથ સંપ્રદાયમાં યોગી આદિત્યનાથ પછી બાલકનાથ બીજા ક્રમે છે.
અલવરના વિસ્તારમાં તેમની મજબૂત પકડ
અલવર અને તેની આસપાસના વિસ્તારોમાં બાબા બાલકનાથની મજબૂત પકડ માનવામાં આવે છે. આ જ કારણ છે કે વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેમના પર વિશ્વાસ દર્શાવ્યો છે. તે ભાજપના હિંદુત્વના એજન્ડાને અનુરૂપ છે. આ જ કારણ છે કે જ્યારે ચૂંટણી પહેલા ભાજપે રાજસ્થાનમાં તેના યુનિટની જાહેરાત કરી ત્યારે તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
ખેડૂત પરિવારમાં થયો જન્મ
તેમનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ રાજસ્થાનના અલવર જિલ્લાના કોહરાના ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સુભાષ યાદવ અને માતાનું નામ ઉર્મિલા દેવી છે. તેઓ તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે અને તેમના પરિવારમાં તેમના દાદા ફૂલચંદ યાદવ અને દાદી સંતરો દેવીનો સમાવેશ થાય છે. તેમનો પરિવાર ઘણા લાંબા સમયથી લોક કલ્યાણ અને સંતોની સેવા કરી રહ્યો છે.
બાબા મસ્તનાથ યુનિવર્સિટીના ચાન્સેલર
તેમના પરિવાર દ્વારા તેમને માત્ર 6 વર્ષની ઉંમરે મહંત ખેતાનાથ પાસે આધ્યાત્મિકતાનો અભ્યાસ કરવા મોકલ્યા. મહંત ખેતાનાથે બાળપણમાં તેમને ગુરુમખ નામ આપ્યું હતું. મહંત ખેતનાથ પાસેથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ મહંત ચંદ નાથ પાસે આવ્યા. તેમની બાળસહજ વૃત્તિ જોઈને મહંત ચંદનાથે તેમને બાલકનાથ કહેવા લાગ્યા. મહંત ચંદનાથે 29 જુલાઈ 2016 ના રોજ તેમને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા. મહંત બાલકનાથ યોગી હિન્દુ ધર્મના નાથ સંપ્રદાયના આઠમા સંત છે. બાલકનાથ યોગી બાબા મસ્તનાથ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે.
આટલી મિલકત ધરાવે છે બાબા બાલકનાથ
બાબા બાલકનાથ ઓબીસી કેટેગરીમાંથી આવે છે. બાલકનાથે ચૂંટણી પંચમાં ઉમેદવારી નોંધાવી હતી તે મુજબ તેમની ઉંમર 39 વર્ષ છે. તેમની પાસે 45 હજાર રૂપિયા રોકડા છે. 13 લાખ 29 હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા (13,29,558) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા સંસદ હાઉસ, નવી દિલ્હીમાં જમા છે. આ સિવાય SBI તિજારા શાખામાં અન્ય બેંક ખાતામાં 5 હજાર રૂપિયાની રકમ જમા છે. આ હિસાબે બેંકમાં જમા થયેલી કુલ રકમ 13,79,558 રૂપિયા છે. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે.