રાજસ્થાનમાં વસુંધરા રાજેનું શક્તિપ્રદર્શન! પોતાના ઘરે 20થી વધુ ધારાસભ્યોને બોલાવી કરી બેઠક

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
રાજસ્થાનમાં વસુંધરા રાજેનું શક્તિપ્રદર્શન! પોતાના ઘરે 20થી વધુ ધારાસભ્યોને બોલાવી કરી બેઠક 1 - image

Image Source: Twitter

- ધારાસભ્યોએ પાર્ટી હાઈકમાન્ડ પાસે વસુંધરાને સીએમ બનાવવાની માંગ કરી

જયપુર, તા. 04 ડિસેમ્બર 2023, સોમવાર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં રાજ્યની જનતાએ ફરી એક વખત શાસન બદલીને પરંપરા જાળવી રાખી છે. ભાજપે કોંગ્રેસને હરાવી બહુમતીનો આંકડો પાર કરીને મોટી જીત નોંધાવી લીધી છે. બીજી તરફ કોંગ્રેસના 25માંથી 17 મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રીને લઈને રેસ તેજ બની ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ રાજસ્થાનના યોગી કહેવાતા બાબા બાલકનાથને દિલ્હી બોલાવ્યા છે. 

વસુંધરાનું શક્તિ પ્રદર્શન

રાજસ્થાનમાં ભાજપ દ્વારા હજુ મુખ્યમંત્રીનું એલાન કરવાનું બાકી છે. તે પહેલા રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ધારાસભ્યોને પોતાના નિવાસસ્થાને ચા પાર્ટી માટે બોલાવ્યા છે. જેમાં 20થી વધુ સંખ્યામાં ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા અને બેઠક કરી છે. ધારાસભ્યોએ પાર્ટી હાઈકમાન્ડ પાસે વસુંધરાને સીએમ બનાવવાની માંગ કરી છે. રાજકીય વર્તુળમાં આને વસુંધરાના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. પૂર્વ સીએમ વસુંધરા રાજે સાથે મુલાકાત કરવા માટે તેમના નજીકના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કાલીચરણ સરાફ ઉપરાંત અન્ય ઘણા નેતાઓ પહોંચ્યા છે.

બીજેપી હાઈકમાન્ડનો નિર્ણય ચોંકાવી શકે

રાજસ્થાનમાં સીએમ પદની રેસમાં સાતથી આઠ મોટા નામો છે જેની ભારે ચર્ચા થઈ રહી છે. આ વખતે પાર્ટીએ મોદીના નામે ચૂંટણી લડી હતી. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામનું એલાન કરવામાં નહોતું આવ્યું. ચૂંટણી જીત્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્યોની બેઠક બાદ જે નામો સૂચવાશે તેના પર પાર્ટી નિર્ણય કરી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ હાઈકમાન્ડનો નિર્ણય ચોંકાવનારો હશે. 



Google NewsGoogle News