Get The App

VIDEO: ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ બાદ ભયંકર હિંસા: ગાડીઓ-મૉલમાં આગચંપી, કલમ 144 લાગુ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
Udaipur Violence
Image Source - X

Udaipur Violence : રાજસ્થાનના ઉદયપુરનાં સૂરજપોલ વિસ્તારમાં આજે (16 ઓગસ્ટ) બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બન્યા બાદ ભયંકર હિંસા શરૂ થઈ ગઈ છે. આ ઘટનામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તુરંત હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજીતરફ હુમલાની માહિતી મળતા જ હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે અને અહીં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ હાલ રાજ્યમાં ભારે હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મોલ અને ઘણા વાહનોમાં પણ આગ લગાવી દેવાઈ છે. હાલ અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ બબાલ

વાસ્તવમાં સૂરજપોલ વિસ્તારમાં શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં એક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. બીજીતરફ સૂરજપોલ પોલીસના સ્ટાફે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને એમ.બી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. હાલ ડૉક્ટરો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર કરી રહ્યા છે.

હોસ્પિટલના ગેટ પર પહોંચ્યા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ

વિદ્યાર્થી પર છરીથી હુમલો થયો હોવાની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો ભડક્યા છે. હિન્દુ સંગઠનના હજારો કાર્યકરો જે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને દાખલ કરાયો હતો, તે હોસ્પિટલના ઈમરજન્સી ગેટ પર પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અરવિંદ પોસવાલ, પોલીસ અધિક્ષક યોગેશ ગોયલ, અધિક પોલીસ અધિક્ષક ઉમેશ ઓઝા સહિત પોલીસનો ભારે કાફલો એમબી હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં 'ઓપરેશન લોટસ'? અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ શકે છે આ પૂર્વ CM

હિન્દુ સંગઠનોએ માર્કેટ બંધ કરાવ્યું

માહિતી મળતાં જ ધારાસભ્ય ફૂલ સિંહ મીણા, ભાજપના શહેર જિલ્લા અધ્યક્ષ રવિન્દ્ર શ્રીમાળી, હિન્દુ જાગરણ મંચના રવિકાંત ત્રિપાઠી અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી તરફ એમબી હોસ્પિટલ ખાતે એકઠા થયેલા હિન્દુ સંગઠનોના કાર્યકરો હોસ્પિટલ પરિસરમાંથી બહાર આવીને ચેતક ચોક પર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સૂત્રોચ્ચાર કરી દુકાનો બંધ કરાવી હતી. જોકે પોલીસે બજાર બંધ કરાવી રહેલા યુવાનોને સમજાવીને વાતાવરણ શાંત પાડ્યું હતું.

કાર્યકર્તાઓએ અનેક વાહનોને કરી આગચંપી

ઘટના દરમિયાન રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ અનેક વાહનોમાં આંગ ચાપી દીધી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના વધુ ઉગ્ર ન બને તે માટે શહેરમાં કલમ 144 પણ લાગુ કરી દેવાઈ છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટે લોકોને કોઈપણ અફવાથી ગેરમાર્ગે ન આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ઘાયલ વિદ્યાર્થીની સારવાર શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉદયપુરમાં હિંસા કેમ ભડકી?

ઉદયપુરમાં હિંસા પાછળ શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચેનો વિવાદ હોવાનું કહેવાય છે. શુક્રવારે સવારે સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટિયાણી ચોહાટા સ્થિત આર્ય સમાજ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો ચાકુબાજી પર આવી ગયો હતો, જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ વિદ્યાર્થીનું નામ દેવરાજ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરાઈ ? ચૂંટણી પંચે જણાવ્યા ત્રણ મોટા કારણ


Google NewsGoogle News