15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સામ-સામે બે કાર વચ્ચે ભીષણ ટક્કર
Churu Hanumangarh Highway Road Accident: રાજસ્થાનના સરદારશહેરમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં પાંચ લોકોના મોત નીપજ્યા છે અને બે જણ ગંભીર રૂપે ઘાયલ થયા છે. ચુરૂ-હનુમાનગઢ મેગા હાઈવે પર એક કાર કેન્ટર અને ટાટા સફારી કાર આમને-સામને ભયાનક રીતે અથડાઈ હતી. બંને કારનો કુચો વળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બિકાનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોને બહાર કાઢવા ક્રેન મગાવવી પડી
કારમાં સવાર છ લોકોમાંથી પાંચના મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, કારનો કુચો વળી ગયો હતો. જેના પગલે મૃતકો અને ઘાયલોને કારમાંથી બહાર કાઢવા માટે ક્રેન મગાવવી પડી હતી. આશરે 2 કલાકની મહેનત બાદ તેમને કારમાંથી બહાર કાઢવામાં સફળ રહી હતી. આ અકસ્માત 3 ડિસેમ્બર, મંગળવાર રાત્રે આશરે અઢી વાગ્યે થયો હતો. ડીસીપી રામેશ્વર લાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. પોલીસ ઈન્સ્પેક્ટર અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, ટાટા સફારી સરદારશહેરથી હનુમાનગઢ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક હાઈવે પર બુકનસર ફાંટાની પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃત્યુ પામનારા ત્રણ ડુંગરગઢના, બે સરદારશહેરના અને એક સીકરનો રહેવાસી હતો.
આ પણ વાંચોઃ શિંદે સાથે દગો! ચૂંટણી પહેલાના વાયદાથી ભાજપ ફરી ગયાનો દાવો, શિંદે કઈ વાત પર નિઃશબ્દ થયા?
મૃતકોના નામ
બિકાનેર નિવાસી કમલેશ (ઉ.વ.26), પુત્ર ભંવરલાલ ભાર્ગવ, રાકેશ (ઉ.વ.25), પુત્ર લાલારામ ભાર્ગવ, રાજાસર બિકાનેર નિવાસી પવન (ઉ.વ.33), રતનલાલ ભાર્ગવ અને સીકર રહેવાસી ધનરાજ. કેન્ટરમાં સવાર ડ્રાઈવર રતનગઢ નિવાસી કિશોરસિંહ રાજપૂત, ડુંગરગઢના રીડી નિવાસી નંદલાલ (ઉ.વ.23) મૃત્યુ પામ્યા હતા. જ્યારે પુત્ર કિશનલાલ ભાર્ગવ અને રામલાલ પુત્ર ગિરધારીલાલ ભાર્ગવ ગંભીર રૂપે ઘાયલ થયા હતા.
અકસ્માતનું કારણ
સરદારશહેર હોસ્પિટલના ડો. કિશન સિહાગે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ જોખમથી બહાર છે. ચાર લોકોના હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત નીપજ્યા હતા. જ્યારે એક ઘાયલે બિકાનેર હોસ્પિટલ જતી વખતે રસ્તામાં દમ તોડ્યો હતો. પોલીસે પ્રારંભિક ધોરણે આ અકસ્માત પાછળનું કારણ ઓવરસ્પીડ ગણાવી છે. બંને વાહનો પુરઝડપે આવી રહ્યા હતા, અચાનક વળાંક પર બંને કાર આમને-સામને અથડાઈ હતી. જિલ્લા પ્રશાસને મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.