રાજસ્થાનના પીડબ્લ્યુડી એન્જિયરની મિલકતો આવકથી 200 ટકા વધુ !
દીપક મિત્તલે રૂ. ૪.૦૨ કરોડની સંપત્તિ એકત્ર કરી
એસીબીની ૧૨ ટીમોએ જયપુર, ઉદયપુર, અજમેર, બિવાર, જોધપુર, ફરિદાબાદમાં દરોડા પાડયા
જયપુર: રાજસ્થાનમાં વિવિધ પરિસરોમાં દરોડા દરમિયાન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ના એક્ઝિક્યુટીવ એન્જિનિયરની મળી આવેલી મિલકતોનું મૂલ્ય તેની આવક કરતા ૨૦૦ ટકા વધારે હતું તેમ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
એસીબીની ૧૨ ટીમોએ આરોપી એન્જિયર દીપક મિત્તલ સાથે સંકળાયેલા જયપુર, ઉદયપુર, અજમેર, બિવાર, જોધપુર અને ફરીદાબાદ (હરિયાણા) સ્થિત પરિસરોમાં દરોડા પાડયા હતાં.
આવક કરતા વધારે સંપત્તિ હોવાની ફરિયાદ મળ્યા પછી એસીબીએ કોર્ટમાંથી સર્ચ વોરન્ટ મેળવ્યું હતું તેમ એસીબીના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રવિ પ્રકાશે એક નિવેદનમાં જણાવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે મિત્તલે ૪.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિ એકત્ર કરી છે જે તેની કાયદેસરની આવક કરતા ઘણી વધારે છે.
એસીબીની ટીમે જોધપુરમાં એક્ઝિક્યુટીવ એન્જિનિયરની જોધપુરની ઓફિસમાં પણ દરોડા પાડયા હતાં. અન્ય એક ટીમે ફરીદાબાદમાં દરોડા પાડયા હતાં કારણકે એસીબીને માહિતી મળી હતી કે આરોપીએ પોતાના ભાઇના સ્થળે કેટલીક સંપત્તિનું રોકાણ કર્યુ છે.
દરોડા દરમિયાન ૧૬ પ્લોટ, વિવિધ બેંક એકાઉન્ટસ ચેક બુક, લોકર સાથે સંકળાયેલા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતાં. મિત્તલે પ્રોપર્ટીના કન્ટ્રકશન પાછળળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.