મેઘતાંડવ બાદ તળાવની પાળ તૂટી જતાં સાત બાળકોના મોત, સ્થાનિકોએ કહ્યું- રીલ્સ બનાવી રહ્યાં હતા
Rajasthan Bharatpur Accident : હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પછી મેઘરાજાએ રાજસ્થાનમાં ધબધબાટી બોલાવી છે, ત્યારે રાજસ્થાનમાં મેઘતાંડવમાં ભરતપુર જિલ્લાના એક તળાવની પાળ તૂટી જતાં સાત બાળકોના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ટીમ પહોંચીને એક બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઘટનામાં મોત નીપજેલા બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યાં છે. તેવામાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, 'બાળકો રીલ્સ બનાવી રહ્યાં હતા.' ચાલો જાણીએ શું હતો આખો કિસ્સો.
તળાવની પાળ તૂટી જતાં 8 બાળકો ડૂબ્યા
બાણગંગા નદી ભરતપુરના બયાના સબડિવિઝનના ફરસો ગામમાં આવેલી છે, જ્યાં કેટલાક બાળકો પહેલાથી જ ઉભા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે નદીના કિનારે આવેલા તળાવની કાચી પાળ તૂટી પડી હતી. જેનાથી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં ત્યાં ઊભેલા 8 બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાની સાથે તેમણે ઘટનાસ્થળે પહોંચીને પાણી નીચે ફસાયેલાં બાળકોની શોધખોળ શરુ કરી હતી.
તળાવમાં ડૂબવાથી 7 બાળકોના મોત
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યાં સુધી રેસ્ક્યુ ટીમ દ્વારા પાણીમાં આ બાળકોને નીકાળવા પહોંચી તેની પહેલા 7 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. તેવામાં રેસ્ક્યુ ટીમ દ્વારા એક બાળકનો જીવ બચાવ્યો હતો. એક સાથે 7 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થતાં ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે પોલીસ દ્વારા બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બધા વચ્ચે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, 'ઘટના સ્થળ પર બાળકો રીલ્સ બનાવી રહ્યાં હતા.'
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
રાજસ્થાનના કેટલાય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે (11 ઓગસ્ટ) ભરતપુર અને અલવરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાતંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. આ દરમિયાન તંત્ર દ્વારા ઊંડા ભરાયેલા પાણીના વિસ્તારોમાં લોકોને સર્તક રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ પડવાથી ભરતપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી અન્ય ગામમાં જવા માટેનો રસ્તાઓ તદ્દન બંધ થઈ ગયા છે.