રાજસ્થાનમાં હિજાબ વિવાદ, શિક્ષણ મંત્રીએ કહ્યું- સ્કૂલમાં ડ્રેસ કોડનું પાલન કરવું પડશે
સરકાર 'સરકાર' છે, તેને તેના આદેશોનું પાલન કેવી રીતે કરાવવું તે આવડે છે : શિક્ષણ મંત્રી
હિજાબ અને બુરખો મુઘલ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યો છે : વરિષ્ઠ મંત્રી મીણા
Image Twitter |
રાજસ્થાનમાં હિજાબ વિવાદ પર ફરી રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહીં દીધુ છે કે, તે હિજાબના પક્ષ- વિપક્ષમાં નથી. પરંતુ વિદ્યાર્થીઓએ નક્કી કરેલા ગણવેશના નિયમોનું પાલન કરવાનું રહેશે અને નિયત ગણવેશમાં શાળામાં આવવું પડશે, નહીં તો શિક્ષકો સાથે વિદ્યાર્થીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે રાજ્યની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાની શક્યતા વધી ગઈ છે.
સરકાર 'સરકાર' છે, તેને તેના આદેશોનું પાલન કેવી રીતે કરાવવું તે આવડે છે : શિક્ષણ મંત્રી
રાજસ્થાનમાં હિજાબ વિવાદ વચ્ચે શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું કે, ‘સ્કૂલમાં ડ્રેસ કોડનું પાલન કરવું જ પડશે. સરકાર ‘સરકાર’ છે, તેને આદેશોનું પાલન કેવી રીતે કરાવવું તે આવડે છે.’ શિક્ષણમંત્રીના આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ખળભળાટ શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે.
હિજાબ અને બુરખો મુઘલ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યો છે : વરિષ્ઠ મંત્રી મીણા
આ પહેલા પણ ભજનલાલ સરકારના વરિષ્ઠ મંત્રી ડૉ. કિરોડીલાલ મીણાએ આ અંગે એક નિવેદન આપતાં કહ્યું કે, તેઓ આ મુદ્દે મુખ્યમંત્રી સાથે વાત કરશે. તેમનું કહેવું હતું કે, દરેક શાળાઓમાં સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. એક આરોપ લગાવતા કહ્યું હતું કે, હિજાબનું સમર્થન કરનારાઓ નથી ઈચ્છતા કે મુસ્લિમ સમાજની છોકરીઓ શિક્ષિત થાય. તેમણે કહ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ હિજાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પછી તે શાળાઓ હોય કે મદરેસા હોય. મીણાએ ઈતિહાસને ટાંકીને કહ્યું હતું કે, હિજાબ અને બુરખો મુઘલ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યો છે.