આ બેઠક પર અપક્ષ ઉમેદવારે આપી ટક્કર તો ભાજપે ખલી અને કંગનાને પ્રચારમાં ઉતાર્યા, કેટલી અસર પડશે?
Lok Sabha Election 2024: રાજસ્થાનમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પુરી તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ એક બાદ એક ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં બોલિવૂડનો તડકો લાગી જાય તો નેતાઓના સમર્થકો અને કાર્યકરોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. ભાજપના નેતાઓ બોલિવૂડ સ્ટાર્સની પણ મદદ લઈ રહ્યા છે જેથી વધુને વધુ લોકોને આકર્ષિત કરી શકે છે. રવિવારે આંતરરાષ્ટ્રીય રેસલર અને ફિલ્મ અભિનેતા ધ ગ્રેટ ખલી રાજસ્થાનની મુલાકાતે હતા. ખલીએ બાડમેરના બાયતુમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી અને રોડ શો પણ કર્યો હતો. હવે કંગના રનૌતનો પણ રોડ શો રાજસ્થાનમાં પ્રસ્તાવિત છે. બોલિવૂડના આ તડકા પર બાડમેર લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભારતીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોઈના આવવા કે જવાથી અહીં કોઈ ફરક નથ પડવાનો.
કંગના રનૌત આવતીકાલે રાજસ્થાનની મુલાકાતે
ફિલ્મ અભિનેત્રી અને બીજેપી નેતા કંગના રનૌત આવતીકાલે રાજસ્થાનની મુલાકાતે આવી રહી છે. તે આગામી બે દિવસમાં ચાર રોડ શોમાં ભાગ લેશે. મંગળવાર 23 એપ્રિલના રોજ કંગના રનૌત પાલીમાં પીપી ચૌધરીના સમર્થનમાં રોડ શો કરશે અને જોધપુરમાં ગજેન્દ્ર સિંહ શેખાવતના સમર્થનમાં રોડ શોમાં પણ સામેલ થશે. બુધવારે 24 એપ્રિલના રોજ તે બાડમેરના ઉમેદવાર કૈલાશ ચૌધરીના સમર્થનમાં બે રોડ શો કરશે. બાડમેર અને જેસલમેરમાં યોજાનાર બંને રોડ શોમાં કંગના રનૌત સામેલ થશે.
પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે કંગના રનૌત
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભાજપની નેતા પણ છે. પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારી છે. મંડીમાં છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. આવી સ્થિતિમાં કંગના રનૌત અલગ-અલગ લોકસભા મતવિસ્તારોમાં પ્રચાર કરી રહી છે. પોતાના નિવેદનોને કારણે તે છેલ્લા બે વર્ષથી ચર્ચામાં છે. એક નિવેદનમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો સાક્ષાત અવતાર પણ ગણાવ્યો હતો.