પોલીસ લોકોને ધમકાવે છે, EVMમાં મારા નામ પર પટ્ટી લગાવાઈ: અપક્ષ ઉમેદવાર ભાટીએ લગાવ્યા ગંભીર આરોપ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ આજે (26મી એપ્રિલ) 13 રાજ્યોમાં 88 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજસ્થાનની 13 બેઠકો સામેલ છે. આ દરમિયાન અહીંની બાડમેર બેઠકથી અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીએ નામ લીધા વગર ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિનો આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું છે કે 'બાયતુ વિધાનસભાની અંદર મારા એજન્ટોને બૂથની બહાર નીકાળવામાં આવી રહ્યા છે અને ઈવીએમમાં મારા નામ પર પટ્ટી લગાવી દીધી છે. આ કેવા પ્રકારની લોકશાહી છે? આખરે વહીવટીતંત્ર કોના દબાણમાં કામ કરી રહ્યું છે?'
પોલીસે રવિન્દ્ર ભાટીના આરોપોને ફગાવી દીધા
રવિન્દ્ર સિંહ ભાટીએ 'X' પર લખ્યું 'પ્રશાસન અમારા લોકોના વાહનોને રોકી રહ્યું છે.' આ ઉપરાંત તેમણે પોલીસ સાથે દલીલનો વીડિયો પણ શેર કર્યો છે. જો કે, પોલીસે રવિન્દ્ર ભાટીના આરોપોને ફગાવી દીધા છે. પોલીસે કહ્યું કે, 'આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. પોલીસ મોબાઇલ પાર્ટી અને અધિકારીઓ સતત બૂથની મુલાકાત/નિરીક્ષણ કરી રહ્યા છે. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.
13 રાજ્યોની 88 બેઠક પર મતદાન
ઉલ્લેખનીય છે કે, આજે (26મી એપ્રિલ) કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે.