કોટામાં JEE ની તૈયારી કરતાં વધુ એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત, 18 દિવસમાં ચોથો મામલો
Kota Student Suicide: શિક્ષા નગરી કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. સતત એક બાદ એક વિદ્યાર્થીઓના આપઘાતથી કોટામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા-પિતામાં ચિંતા વધી છે. કોટાના જવાહરનગર વિસ્તારમાં અન્ય એક વિદ્યાર્થીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતક વિદ્યાર્થી મનન જૈન બૂંદી જિલ્લાનો રહેવાસી હતો જે કોટામાં રહીને 12માં ધોરણના અભ્યાસ સાથે JEE ની તૈયારી કરી રહ્યો હતો. વિદ્યાર્થીના મૃતદેહને હાલ પોલીસ મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. હાલ વિદ્યાર્થીના પરિવારજનો પણ કોટા પહોંચી ગયા છે.
24 કલાકમાં બીજા વિદ્યાર્થીએ કર્યો આપઘાત
કોટામાં 24 કલાકની અંદર આ બીજો આપઘાતનો મામલો સામે આવ્યો છે. આ પહેલાં ઓડિશા નિવાસી અભિજીત ગિરીએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. શનિવારે પોસ્ટપોર્ટમ બાદ તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અભિજીત ગિરી કોટામાં રહીને નીટની તૈયારી કરી રહ્યો હતો. વિદ્યાર્થીના ભાઈનું કહેવું છે કે, કોટામાં ભણવાનો માહોલ સારો છે, પરંતુ થોડા દિવસથી જે પ્રકારે આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, તેના પર કડક પગલાં લેવાની જરૂર છે.
આ પણ વાંચોઃ ભાજપનું બેવડું વલણ : રાજસ્થાન સરકારે 450 સરકારી સ્કૂલો બંધ કરી, તમામ હિન્દી મીડિયમની
જાન્યુઆરીમાં પણ બે વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યો જીવ
8 જાન્યુઆરીએ 20 વર્ષના અભિષેકે કોટામાં પોતાના પીજીના રૂમના પંખે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. તે મધ્યપ્રદેશના ગુના જિલ્લાનો રહેવાસી છે. મે 2023 થી તે કોટાની કોચિંગ સંસ્થામાં JEE ની તૈયારી કરી રહ્યો હતો. આ સિવાય સાત જાન્યુઆરીએ હરિયાણાના રહેવાસી 19 વર્ષના નીરજે આપઘાત કર્યો હતો. તે પોતાના છાત્રાલયના રૂમમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો.
કોટામાં વધ્યા આપઘાતના કેસ
કોટામાં અભ્યાસના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ પણ જોવા મળી રહ્યો છે. વર્ષ 2025 ના જાન્યુઆરી મહિનામાં જ ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. જેમાંથી ત્રણ જેઈઈ અને એક નીટની તૈયારી કરતો હતો. છે.એક વિદ્યાર્થી પાસે મળેલી સુસાઇડ નોટમાં માતા-પિતાની અપેક્ષાઓ પૂરી ન કરી શકવાની વાત લખવામાં આવી હતી.