કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાનું ચાર મહિનામાં રાજીનામું, ગેહલોત-પાયલટ અંગે ચોંકાવનારા દાવા
Khiladi Lal Bairwa Resign BJP : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે ભાજપ અધ્યક્ષ મદન રાઠોડને પત્ર લખીને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું સોંપ્યું છે. તેમણે રાજીનામામાં ભાજપની વિચારધારાનો ઉલ્લેખ કરવાની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે.
ખિલાડી કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપરાંત પાયલટના પણ ખાસમખાસ હતા
ખિલાડી લાલ બેરવા એક સમયે સચિન પાયલટ (Sachin Pilot)ના ખાસમખાસ હતા, જોકે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા જ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતા કહેવાતા હતા. જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા, ત્યારે તેમણે ધૌલપુરની બસેડી બેઠક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. આ ઉપરાં તેઓ કોંગ્રેસના સાંસદ પણ રહી ચુક્યા છે.
‘મારો પણ ફોન ટેપ કરાવ્યો’
બેરવાએ રાજીનામામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ અંગે ચોંકાવનારી વાત લખી છે. તેમણે લખ્યું છે કે, ‘ગેહલોતે ચોથીવાર મુખ્યમંત્રી બનવાની લાલચમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને બહાર કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમણે પાયલોટ જૂથના લોકોના ફોન ટેપ કરાવ્યા હતા. મેં આ અંગે કોંગ્રેસના પૂર્વ ઓએસડી લોકેશ શર્માને વિસ્તારથી માહિતી આપી હતી. તેમણે મારો પણ ફોન ટેપ કરાવ્યો હતો. આ બાબતો તપાસનો વિષય છે.’
મારી ભાજપ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ નથી
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘ભાજપ અને કોંગ્રેસની જુદી જુદી વિચારધારા છે. હુંમેં અને મારા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં હું ભાજપની વિચારાધારા સાથે જોડાઈ શક્યો નથી. મેં કોંગ્રેસમાં 33 વર્ષ સુધી રાજકારણ કર્યું છે. વિચારધારા મારા લોહીમાં આવી ગઈ છે. મારી ભાજપ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ નથી.’
આ પણ વાંચો : ‘તો શું અંબાણી-અદાણીને A1 અને A2 કહું...’ સ્પીકરે વાંધો ઉઠાવતા રાહુલ ગાંધીનો જવાબ