રાજસ્થાન: દલિત વિદ્યાર્થીના મોતથી જાલોરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ
જયપુર, તા. 14 ઓગસ્ટ 2022 રવિવાર
રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના ઢોર મારના કારણે દલિત વિદ્યાર્થીનુ મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. ઘટના જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના સુરાણા ગામના એક ખાનગી સ્કુલની છે જ્યાં શિક્ષકે દલિત વિદ્યાર્થીને ખૂબ માર માર્યો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ સીધા. સમગ્ર મામલે આરોપ છે કે દલિત વિદ્યાર્થીએ ખાનગી સ્કુલના સંચાલકના માટલામાંથી પાણી પીધુ હતુ. આ વાતને લઈને તેને ઢોર માર મારવામાં આવ્યો.
રિપોર્ટ અનુસાર 20 જુલાઈએ ઈન્દ્ર દરરોજની જેમ સ્કુલ ગયો હતો જ્યાં તરસ લાગી તો તેણે સ્કુલમાં મૂકેલા પાણીના માટલામાંથી પાણી પી લીધુ પરંતુ તે માટલુ શિક્ષક છૈલસિંહ માટે અલગ મૂકવામાં આવ્યુ હતુ. આ વાતની જાણકારી મળતા જ સંચાલકે જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરતા વિદ્યાર્થીને માર માર્યો. જેના કારણે તેના કાન અને આંખમાં ખૂબ ઈજા પહોંચી. વિદ્યાર્થીએ પોતાના પિતાને ઘટનાની જાણકારી આપી, જે બાદ સતત જુદી જુદી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી પરંતુ 13 ઓગસ્ટે ઈન્દ્રનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ.
પોલીસે સમગ્ર મામલે એસસી-એસટી એક્ટ સહિત હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ત્યાં પોલીસે ખાનગી શાળાના સંચાલકની પણ ધરપકડ કરી છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે, જેના કારણે સરકારના આદેશ અનુસાર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા આગામી સૂચના સુધી બંધ કરી દેવાઈ છે.