માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
Weather Update: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3 ડિગ્રીએ પહોંચતા ઠેર-ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી. સ્થાનિક રહીશો અને સહેલાણીઓ ઠંડીના ચમકારા સાથે આનંદ માણતા ઠૂંઠવાઈ રહ્યા હતા. ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. જોકે, સહેલાણીઓ કાશ્મીર જેવા આહ્લાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.
ઠંડીનો પારો ગગડ્યો
રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં સીઝનનું રેકોર્ડ બ્રેક 5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ઠંડાગાર તાપમાનમાં ઉમટ્યા સહેલાણીઓ
ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે. ગુજરાત સહિત રાજ્યમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડીનો અહેસાસ અનુભવવા પધારતાં હોય છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગત રાતે અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી છે. સહેલાણીઓની ગાડીઓ પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે દિવસ ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે, માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટીને આનંદ માણી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજુ ડિસેમ્બરનો અંત બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.