'બંને પક્ષકારો 25-25 વૃક્ષો વાવો અને...' રાજસ્થાન હાઈકોર્ટે એક મંદિર મામલે આપ્યો અનોખો આદેશ
Rajasthan High Court: જયપુરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરો પર પર ચંદન લગાવવા સંબંધિત કેસમાં રાજસ્થાન હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે બંને પક્ષકારોને મંદિર પરિસરમાં 25-25 વૃક્ષો વાવવા અને કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમની સંભાળ રાખવા આદેશ આપ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો....
જયપુરના મંદિરમાં મૂર્તિઓ અને તસવીર પર ચંદન લગાવવાનો છે મામલો
રાજસ્થાન હાઈકોર્ટે શહેરના મ્યુઝિયમ રોડ પર સ્થિત શિવ મંદિરમાં કૃષ્ણાનંદજીની મૂર્તિઓ અને તસવીર પર ચંદન લગાવવા સંબંધિત કેસમાં બંને પક્ષકારોને મંદિર પરિસરમાં 25-25 વૃક્ષો વાવવા અને જ્યાં સુધી કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમની સંભાળ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી દર વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહમાં આ વૃક્ષોની તસવીરો કોર્ટમાં રજૂ કરવા પણ જણાવ્યું છે.
ભાનુ પ્રકાશ શર્માએ તેમજ અન્યોએ નીચલી અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો
જસ્ટિસ અનૂપ કુમાર ધંડની સિંગલ બેન્ચે ભાનુ પ્રકાશ શર્મા અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે 'વૃક્ષો વાવવાથી પક્ષકારોની ભગવાન અને પ્રકૃતિમાં શ્રદ્ધા વધશે.' આ ઉપરાંત હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 'દરેક નાગરિકની આપણી સંસ્કૃતિ અને વારસાની રક્ષા કરવાની ફરજ છે. આ સિવાય કોઈને પણ મૂર્તિ કે પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી, પરંતુ મંદિરમાં પૂજા કરતા કોઈને રોકવાનો પણ કોઈને અધિકાર નથી.'
વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાતી નથી : હાઈકોર્ટ
આ ઉપરાંત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે 'પ્રતિમા પર ભેળસેળયુક્ત દૂધ, દહીં, કુમકુમ કે ગુલાલ ચઢાવવાની પરવાનગી આપી શકાય નહીં. ચંદનની આડમાં કોઈને રંગ કરવાની મંજૂરી આપી શકાતી નથી. સાથે જ વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી શકાતી નથી.' અરજીમાં કહેવામાં આવ્યું છે કે 'તેઓ (અરજદારો) મ્યુઝિયમ રોડ પર સ્થિત શિવ મંદિરમાં લગભગ ત્રણ દાયકાથી સ્વામી કૃષ્ણાનંદજીની તસવીર પર ચંદન લગાવી રહ્યા છે અને તસવીર પર નામ લખી રહ્યા છે, પરંતુ હવે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને તેમને આમ કરવાથી રોકવામાં આવી રહ્યા છે. નીચલી અદાલતના આદેશની આડમાં તેમને (અરજદારો) સેવા અને પૂજા કરવાથી રોકવામાં આવી રહ્યા છે. તેથી નીચલી અદાલતના આદેશને રદ કરવો જોઈએ.'
હાઈકોર્ટે બંને પક્ષકારોને મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવા જણાવ્યું
અરજદારના વિરોધમાં મંદિર વતી એવું કહેવામાં આવ્યું હતું કે 'અરજદારને પૂજા કરવાથી રોકવામાં આવી રહ્યા નથી, પરંતુ તેઓ ધાર્મિક લાગણીઓની આડમાં મંદિરની મૂર્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે 'મંદિરની મૂર્તિને નુકસાન પહોંચાડી શકાય નહીં, પરંતુ પૂજા કરવાથી પણ કોઈને રોકી શકાય નહીં. આ સાથે કોર્ટે બંને પક્ષકારોને મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવા જણાવ્યું છે.