Get The App

આસારામને રાજસ્થાન હાઇકોર્ટની રાહત: સાત દિવસના પેરોલ મંજૂર, સારવાર માટે બહાર આવશે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
aasaram


Asaram gets seven days parole: બળાત્કાર કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સારવાર માટે આસારામના 7 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. હકિકતમાં, જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત અચાનક લથડી હતી. જે બાદ રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેન્ચે તેને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જવા વચગાળાના પેરોલની મંજૂરી આપી છે.

એઇમ્સમાં દાખલ કરાયો હતો

નોંધનીય છે કે, આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ (AIIMS) હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો હતો. આસારામની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળતા જ એઇમ્સ હોસ્પિટલ બહાર તેના સમર્થકોની ભીડ જામી હતી. આસારામને 2018માં જોધપુરની વિશેષ POCSO કોર્ટે તરૂણ બાળકી સાથે બળાત્કાર કરવા બદલ આજીવન જેલીની સજા સંભળાવી હતી.

2013થી જેલમાં છે આસારામ

આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં બંધ છે. પીડિતાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, 15 ઓગસ્ટ, 2013ની રાતે આસારેમે તેના જોધપુર પાસેના આશ્રમમાં બોલાવી તેના પર બળાત્કાર આચર્યું હતું. પાંચ વર્ષોથી વધુ સમય ચાલેલી સુનાવણી બાદ પોક્સો અદાલતે આસારામને દોષિત ઠરાવી આજીવન જેલની સજા આપી હતી. પાછલા વર્ષે ગુજરાતની પણ એક કોર્ટે આસારામને 2013માં તેના સુરત આશ્રમમાં મહિલા અનુયાયી સાથે બળાત્કાર કરવાના આરોપમાં દોષિત ઠરાવ્યો હતો.

આસારામે કરી હતી સજા સસ્પેન્ડ કરવાની માંગ

અગાઉ પણ 85 વર્ષીય આસારામે માંદગીનો હવાલો આપી ઘણી વાર પેરોલની માંગ કરી હતી. ગત 20 જૂને પણ તેણે કોર્ટ પાસે 20 દિવસના પેરોલની માંગ કરી હતી, પરંતુ ત્યારે પેરોલ કમિટિએ તેને રાહત આપી નહોતી. જે બાદ આસારામે માંદગીનું કારણ આપી તેની સજા સસ્પેન્ડ કરવા રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, હાઇકોર્ટે પણ તેની અરજી રદ કરી હતી. ત્યાર બાદ આસારામે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા પર હસ્તક્ષેપ કરવાની મનાઇ કરી હતી અને સારવારની મંજૂરી માગવા રાજસ્થાન હાઇકોર્ટમાં પુનઃઅરજી કરવા જણાવ્યું હતું.

આસારામનો પુત્ર પણ જેલમાં બંધ 

નોંધનીય છે કે, આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ રેપ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહ્યો છે. સુરતની એક મહિલાએ તેના પર 2002થી 2005 વચ્ચે યૌન શોષણ અને વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ સુરતની એક કોર્ટે 26 એપ્રીલ 2019ના રોજ તેને બળાત્કાર, અપ્રાકૃતિક યૌન સંબંધ અને પીડિતાને ધમકાવવા બદલ આજીવન જેલની સજા આપી હતી.


Google NewsGoogle News