ગોધરા કાંડ અંગેના પુસ્તક પર રાજસ્થાન સરકારનો પ્રતિબંધ, કહ્યું - જૂઠ્ઠાણું ફેલાવી સમાજમાં ભાગલા પાડે છે
Rajasthan government: રાજસ્થાન સરકારે હર્ષ મંદરના પુસ્તક 'અદૃશ્ય લોક - આશા ઔર સાહસ કી કહાનિયા' પર પ્રતિબંધ મૂકી દીધો છે અને સ્કૂલોમાંથી તેને પાછું ખેંચવાનો આદેશ આપ્યો છે. આ પુસ્તક ગોધરાકાંડ પર આધારિત છે, જેમાં હિન્દુઓને ગુનેગાર દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તક અગાઉની ગેહલોત સરકારે અભ્યાસક્રમમાં સામેલ કર્યું હતું.
રાજસ્થાન સરકારે સ્કૂલોમાં ભણાવવામાં આવતા પુસ્તકને પાછી મંગાવવાનો આદેશ અપાયો છે તેમજ પુસ્તક ખરીદવાનો નિર્દેશ રદ કરી દેવાયો છે. ગેહલોત સરકારે ગોધરાકાંડ પર આધારિત આ પુસ્તકનો અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વર્તમાન સરકારે તેને હટાવવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું કે, આ પુસ્તક ગોધરાકાંડ અંગે જુઠાણું ફેલાવે છે અને સમાજને વિભાજિત કરે છે. પુસ્તકમાં ગોધરા ટ્રેન સળગાવનારા લોકોની પ્રશંસા કરાઈ છે અને હિન્દુઓને ગુનેગાર દર્શાવાયા છે.
ગુજરાતની તત્કાલીન સરકાર અંગે પણ ખોટું ચિત્રણ કરાયું છે. મદન દિલાવરે કોંગ્રેસના પૂર્વ શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડોટાસરા પર ઈરાદાપૂર્વક રાજસ્થાનના બાળકોમાં ઝેર રેડવા માટે આ પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, ડોટાસરાએ ટ્વીટ કરીને દાવો કર્યો કે આ પુસ્તક તેમના કાર્યકાળમાં અભ્યાસક્રમમાં સામેલ કરાયું નથી.
તેમણે મદન દિલાવર પર ખોટું બોલવાનો આક્ષેપ કર્યો હતો. પૂર્વ આઈએએસ અધિકારી હર્ષ મંદરે પોતાના અનુભવો લખ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે ગોધરા ટ્રેન પર હુમલાને આતંકી કાવતરું ગણાવ્યું હતું અને ત્યાર પછી મુસ્લિમોને ટાર્ગેટ કરાયા હતા.