સિઝનના પહેલા જ વરસાદમાં પૂરથી પાડોશી રાજ્ય બેહાલ, તૂટ્યો ડેમ, સ્કૂલ-ઘરોમાં પાણી ફરી વળ્યું
Heavy Rain Rajasthan: રાજસ્થાનના ટોંક જિલ્લામાં સિઝનના પહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં પ્રથમ વરસાદે માલપુરામાં ભારે તારાજી સર્જી છે. શુક્રવારે (પાંચમી જુલાઈ) રાત્રે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 335 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સહોદરા નદીનું ઓવર ફ્લો પાણી ચાંદસેમ ગામમાં પ્રવેશતા અનેક મકાનો ધરાશાયી થયા હતા.
પાણીના પ્રવાહમાં પીકઅપ વાન તણાઈ
ભારે વરસાદ બાદ સહોદરા નદીના વહેણમાં પીકઅપ વાનમાં ત્રણ લોકો ફસાયા હતા. જોકે ત્રણેય લોકોને બચાવી લેવાયા હતા અને પાણીના પ્રવાહમાં પીકઅપ વાન તણાઈ ગઈ હતી. માલપુરાનું બામ તળાવ પણ સંપૂર્ણ ભરાઈ જતાં ઓવર ફ્લો થઈ ગયું છે. આ ઉપરાંત ચાંદસેન ડેમ, ખરેડા સાગર અને ટોરડી સાગર ડેમમાં પાણી આવક થઈ છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર અંગે ભાજપની મોટી જાહેરાત, સહયોગી પક્ષોને લાગશે જોરદાર ઝટકો
ગામડાઓ સંપર્ક વિહોણા થયા
વરસાદને કારણે સહોદરા નદી ગાંડી તૂર બની છે. સતત વરસી રહેલા વરસાદથી ધોવાણ અને રસ્તાઓને નુકસાન થવાના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. માલપુરાના રામસાગર ડેમ વધુ પાણીના કારણે તૂટી ગયો છે. ખાસ વાત એ છે કે તાજેતરમાં જ જળ સંસાધન વિભાગે અહીં 2 કરોડ 41 લાખના ખર્ચે સમારકામ કરાવ્યું હતું. રામસાગર તૂટવાને કારણે આજુબાજુના ખેતરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. અનેક વસાહતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ટોંક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ સમગ્ર જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડેમ અને તળાવના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં પણ સતર્ક રહેવા સૂચના આપી છે.