Rajasthan Election Results LIVE updates : રાજસ્થાનમાં કમળ ખીલ્યું, ગેહલોતનો જાદુ ના ચાલ્યો, ભાજપ સરકાર બનાવશે તો કોણ બનશે સીએમ?

રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી

રાજ્યમાં 25 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 74.13 ટકા મતદાન નોંધાયું હતું

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
Rajasthan Election Results LIVE updates : રાજસ્થાનમાં કમળ ખીલ્યું, ગેહલોતનો જાદુ ના ચાલ્યો, ભાજપ સરકાર બનાવશે તો કોણ બનશે સીએમ? 1 - image


Rajasthan Election 2023 Results : રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 110થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 71 બેઠકો પર આગળ છે. બહુમતી માટે 100 જીતવી જરૂરી છે. ત્યારે ભાજપ બહુમતીના આંકડાને પાર કરી ચૂકી છે, તેથી તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ ના ચાલ્યો અને કમળ ખીલ્યું છે. હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે.

Rajasthan Election Results LIVE updates: 

1:30 PM | રાજસ્થાનના દિગ્ગજ નેતા વસુંધરા રાજે અને દીયા કુમારીનો વિજય, સતીષ પુનિયાની હાર

રાજસ્થાનમાં કોને મુખ્યમંત્રી બનાવી શકે છે ભાજપ?

હવે સવાલ એ છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે? શું વસુંધરા રાજે સિંધિયા જ મુખ્યમંત્રી હશે કે પછી ભાજપ કોઈ નવા ચહેરા પર દાવ ખેલશે? આ ચર્ચાનું કારણ એ છે કે ભાજપે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો ન હતો. બીજી તરફ, વસુંધરા રાજેની લોકપ્રિયતા ઘટી છે જ્યારે તિજારા વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર (સાંસદ) બાલકનાથની લોકપ્રિયતા વધી છે. તેઓ રાજસ્થાનના લોકપ્રિય કોંગ્રેસી નેતા અશોક ગેહલોત પછી બીજા ક્રમે છે. એક એક્ઝિટ પોલમાં પણ દસ ટકા લોકોએ બાલકનાથને મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ ગણાવ્યા હતા. આ સ્થિતિમાં ભાજપ તેમને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. આ સિવાય દીયા કુમારી, ભૂપેન્દ્ર યાદવ, ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવનું નામ ચર્ચામાં છે.

રસપ્રદ વાત એ છે કે બાલકનાથ રાજસ્થાનના ‘યોગી’ ગણાય છે. વળી, તેઓ એ જ નાથ સંપ્રદાયના સંત છે, જેની સાથે ઉત્તર પ્રદેશના મુખ્મંયત્રી યોગી આદિત્યનાથ સંકળાયેલા છે. બાલકનાથ રોહતકના બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરામાં ગોરખપુર ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રોહતકની ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો મળેલો છે.   એ રીતે નાથ સંપ્રદાયમાં યોગી આદિત્યનાથ પછી બાલકનાથ બીજા ક્રમે છે.

11:40 Live Updates | રાજસ્થાનમાં ભાજપનો જશ્ન શરૂ

રાજસ્થાનમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં  ખુશીની લહેર જોવા મળી રહી છે અને કાર્યકરોએ અત્યારથી જ સંભવિત જીતની ઉજવણી શરૂ કરી દીધી છે.

10:17 Live Updates | તમામ 199 સીટોના ​​ટ્રેન્ડમાં ભાજપ આગળ 

રાજસ્થાનમાં તમામ199 સીટોનો ટ્રેન્ડ જાહેર થઈ ગયા છે જેમા શરુઆતના ટ્રેન્ડમાં ભાજપ 103 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 74 સીટો પર આગળ છે. આ સિવાય અન્ય 22 સીટો પર આગળ છે. આ શરુઆતના ટ્રેન્ડમાં જોંટવાડા વિધાનસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રાજ્ય વર્ધન સિંહ રાઠોડ પાછળ ચાલી રહ્યા છે જ્યારે બીજા રાઉન્ડની મતગણતરી પૂરી થયા બાદ કોંગ્રેસના અભિષેક ચૌધરી 5 હજારથી વધુ મતોથી આગળ છે અને ટોંકના સચિન પાયલટ પણ બીજા રાઉન્ડની મત ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે.

09:39 Live Updates |  સચિન પાયલટ પાછળ

રાજસ્થાન વિધાનસભાની મત ગણતરીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ ટોંકથી પાછળ ચાલી રહ્યા છે. 

09:22 Live Updates |  વસુંધરા રાજે અને અશોક ગેહલોત આગળ

રાજસ્થાનની ઝાલરાપાટન બેઠક પરથી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા વસુંધરા રાજે 5 હજાર મતોથી આગળ છે જ્યારે સરદારપુરાથી મુખ્યમંત્રી અશોક ગેહલોત 4657 મતોથી આગળ ચાલી રહ્યા છે.

09:08 Live Updates | તમામ બેઠકોનો ટ્રેન્ડ જાહેર

રાજસ્થાનમાં તમામ 199 બેઠકોના પ્રારંભિક ટ્રેન્ડ જાહેર થયા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. ભાજપ 98ના આંકડાને સ્પર્શી ગયું છે જ્યારે કોંગ્રેસ 94 બેઠકો પર આગળ છે. આ સિવાય અન્યોને 4 બેઠકો મળતી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં EVM દ્વારા 74.62 ટકા મતદાન થયું હતું. રાજ્યના 5 કરોડ 25 લાખ 48 હજાર 105 મતદારોમાંથી 3 કરોડ 92 લાખ 11 હજાર 399 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે પુરૂષ મતદારો કરતાં મહિલાઓએ મતાધિકારનો વધુ ઉપયોગ કર્યો છે. મહિલાઓની કુલ મતદાન ટકાવારી 74.72 હતી જ્યારે પુરૂષોની કુલ મતદાન ટકાવારી 74.53 હતી.

08:33 Live Updates | રાજસ્થાનની 100 બેઠકોના પ્રારંભિક ટ્રેન્ડ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

રાજસ્થાનમાં 100 સીટોના ​​ટ્રેન્ડમાં ભાજપે 55 સીટો પર લીડ મેળવી છે. જ્યારે કોંગ્રેસ 44 બેઠકો પર આગળ છે. અન્ય 6 બેઠકો પર આગળ જોઈ રહ્યા છીએ. શરૂઆતી ટ્રેન્ડમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુરા સીટ પર આગળ ચાલી રહ્યા છે.

08:25 Live Updates | રાજસ્થાનમાં આ સ્ટાર ચહેરાઓ આગળ વધી રહ્યા છે

ઝાલરાપાટન-વસુંધરા રાજે

ટોંક- સચિન પાયલટ

જોતવારા- રાજ્યવર્ધન રાઠોડ

લક્ષ્મણગઢ- ગોવિંદ દોતાસરા

08:00 Live Updates |રાજસ્થાન ચૂંટણીની મતગણતરી શરૂ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ ટ્રેન્ડ સવારે 9.00 વાગ્યા સુધીમાં આવશે. આ સાથે રાજ્યની 199 બેઠકો પરના તમામ ઉમેદવારોના ભાવિનો પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

07:35 Live Updates | પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પ્રારંભિક વલણો થોડા સમયમાં જ આવવા લાગશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે ત્યારબાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખોલવામાં આવશે. હાલ પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા છે અને હવે ટૂંક સમયમાં મતગણતરી શરૂ થશે.

રાજસ્થાનમાં 74.13 ટકા મતદાન થયું હતું

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું 25 નવેમ્બરે મતદાન થયું હતું, રાજ્યના મતદારોએ ગત વર્ષ કરતા આ વર્ષે 74.13 ટકા મતદાન કર્યું હતું. નવી સરકારની પસંદગી કરવા માટે 74.72 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 74.53 ટકા પુરુષોએ પણ મતદાન કર્યું હતું. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

રાજ્યમાં 2018માં કોંગ્રેસનો થયો હતો વિજય

રાજસ્થાનમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 200 બેઠકોમાંથી 195 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, જેમાં 100 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકો અને અપક્ષે 13 બેઠકો જીતી હતી. બહુજન સમાજવાદી પાર્ટીને 6 બેઠકો, રાષ્ટ્રીય લોકશાહી પક્ષે 3 બેઠકો, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)એ 2 બેઠકો, ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 2 બેઠકો, રાષ્ટ્રીય લોકદળે 1 બેઠક પર વિજય મેળવ્યો હતો.

રાજ્યમાં 2013માં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસની શરમજનક હાર

રાજસ્થાનમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી 200માંથી 163 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 4 બેઠકો, બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો, જ્યારે અપક્ષે 9 બેઠકો મેળવી હતી.

રાજસ્થાન ચૂંટણીમાં આ 10 મોટા ચહેરાઓ પર સૌની નજર

રાજસ્થાનની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી 10 ચહેરા એવા છે જેમના પર આખા દેશની નજર છે. આ ચહેરાઓમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ગોવિંદ સિંહ દોતાસરા, સીપી જોશી, નરેન્દ્ર બુધનિયા જેવા મોટા નેતાઓના નામો સામેલ છે, જ્યારે ભાજપની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, કિરોડી લાલ મીણા, મહંત બાલક નાથ પર આખા દેશની નજર છે.

Rajasthan Election Results LIVE updates : રાજસ્થાનમાં કમળ ખીલ્યું, ગેહલોતનો જાદુ ના ચાલ્યો, ભાજપ સરકાર બનાવશે તો કોણ બનશે સીએમ? 2 - image


Google NewsGoogle News