રાજસ્થાન ચૂંટણી : ભાજપને સત્તા અપાવી શકે છે આ 6 દિગ્ગજ ચહેરાઓ, CM ચહેરો બનવાની પણ સંભાવના
ભાજપે રાજસ્થાનમાં CM ચહેરાની જાહેરાત કરી નથી, જોકે ભાજપને સત્તા અપાવવા પાર્ટીના 6 દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી અશ્વિની વૈષ્ણવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, સતીશ પૂનિયા, રાજેન્દ્ર રાઠોડ, સી.પી.જોશી ચૂંટણી મેદાનમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.
નવી દિલ્હી, તા.02 નવેમ્બર-2023, ગુરુવાર
દેશના પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (Assembly Election-2023)નો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે, તમામ રાજકીય પક્ષોએ જાહેર કરેલા ઉમેદવારો પોત-પોતાના મત વિસ્તારોમાં દમદાર પ્રચાર અભિયાન કરી રહ્યા છે. રાજસ્થાન (Rajasthan)ની વાત કરીએ તો અહીં સર્વે મુજબ ભાજપની આવવાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે અને અન્ય રાજ્યોમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ભાજપે આ વખતે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરા (BJP CM Face)ની જાહેરાત કરી નથી, જોકે ભાજપને સત્તામાં લાવવા પાર્ટીના 6 નેતાઓ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણી કમાન સંભાળી રહ્યા છે, તો રાજસ્થાનના કેટલાક દિગ્ગજ નેતાઓને પણ મુખ્ય મોર્ચે રખાયા છે. કેન્દ્રીય નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુનરામ મેઘવાલ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા નથી, જોકે તેઓ પણ ભાજપને સત્તામાં લાવવા પ્રયાસો કરી રહ્યા છે.
અશ્વિની વૈષ્ણવ
રાજસ્થાનના સીએમ ચહેરા તરીકે ભાજપના વિશ્વાસુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના કહેવાતા ગુજરાતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણનું નામ પણ મોખરે છે. રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા અશ્વિની વૈષ્ણવનો ગુજરાત સાથે પણ સારો સંબંધ ધરાવે છે. વૈષ્ણવે 2012માં ગુજરાતમાં 2 ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી હતી. જ્યારે જુલાઈ 2021માં મોદી મંત્રીમંડળમાં બીજી વખત ફેરફાર કરાયા ત્યારે તેઓ રેલ્વે મંત્રી, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અને સંચાર મંત્રી બન્યા. અશ્વિની વૈષ્ણવ મોદીના નજીકના હોવાથી, રાજસ્થાનમાં દબદબો હોવાથી તેમજ ગુજરાત સાથે પણ સારો સંબંધ હોવાથી તેઓ રાજસ્થાનમાં સીએમ પદ માટે મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
સતીશ પૂનિયા
રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયા (Satish Poonia) પર સૌની નજર છે. વિપક્ષી ભાજપની કમાન પુનિયાએ જ સંભાળી રાખી હતી. તેઓ ભાજપના મુખ્ય નેતૃત્વના નજીકના હોવાનું તેમજ વસુંધરા રાજે સાથે મતભેદ હોવાનું પણ કહેવાય છે. તેઓ અમિત શાહ અને જે.પી.નડ્ડાના નજીકના હોવાનું કહેવાય છે. પુનિયાએ પાર્ટી સંગઠનના હોદ્દા પર મહત્વની ભૂમિકા નિભાવી છે, ઉપરાંત તેઓ જાટ સમાજનો પણ ચહેરો છે. ચૂંટણીના કેટલાક મહિનાઓ પહેલા પુનિયાને હટાવી સી.પી.જોશીને પ્રદેશ અધ્યક્ષ પદેથી બનાવાયા છે, તેમ છતાં ભાજપે તેમને આમેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ જાટ સમાજના છે અને રાજસ્થાનમાં જાય સમાજના વધુ મતો હોવા છતાં એક પણ જાય સમુદાયના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવાયા નથી, તેથી તેમને પણ મુખ્યમંત્રીના ચહેરા તરીકે નજરઅંદાજ ન કરી શકાય.
રાજેન્દ્ર રાઠોડ
રાજસ્થાનમાં ભાજપના દિગ્ગજ નેતાઓમાં 7 વખત ધારાસભ્ય બનેલા રાજેન્દ્ર રાઠોડ (Rajendra Rathore)નું પણ નામ આવે છે. 1990 બાદ તેઓ સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને રાજપૂત સમુદાયના પણ છે. રાજેન્દ્ર રાઠોડની પણ મુખ્યમંત્રી પદ પર નજર છે. જો ભાજપ સત્તામાં આવશે તો તેઓ પણ દાવેદારી નોંધાવી શકે છે. વિપક્ષી નેતા તરીકે ગેહલોત સરકાર પર સૌથી વધુ હાવી થનાર નેતાઓમાં રાઠોડનું નામ પણ સામેલ છે. રાજેન્દ્ર રાઠોડ વિધાનસભા બેઠક ચુરુના બદલે જિલ્લાની તારાનગરથી ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
સી.પી.જોશી
રાજસ્થાનમાં ભાજપની કમાન સંભાળી રહેલા સી.પી.જોશી (CP Joshi) ચિત્તૌડગઢથી 2 વખત સાંસદ બનેલા છે. તેમને ભાજપના બ્રાહ્મ ચહેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાજપે આ ચૂંટણીમાં પાર્ટી કમાન તેમને સોંપી છે. ત્યારબાદ તેઓ ગેહલોત સરકાર વિરુદ્ધનો માહોલ ઉભો કરવામાં લાગી ગયા છે. ભાજપે જે નેતાઓની ટિકિટો કાપી છે, તે તમામ નેતાઓએ જાહેરમાં તેમના પર આરોપો લગાવ્યા છે. જો આ વખતે ભાજપ જીતશે તો તેનો શ્રેય તેમને પણ મળશે.
ગજેન્દ્ર સિંહ શેખાવત
રાજસ્થાનના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કેન્દ્રી મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) રહેલા છે. તેમને મુખ્યમંત્રીની રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ગજેન્દ્ર સિંહે જોધપુર બેઠક પરથી ગેહલોતના પુત્રને હરાવી સાંસદ બન્યા છે. ભાજપમાં શેખાવતને સૌથી મોટા નેતા માનવામાં આવે છે. ભાજપે તેમને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા નથી, જોકે તેઓ ચૂંટણી પ્રચારમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. શેખાવત પણ ગેહલોત સરકાર પર હાવી જોવા મળ્યા છે.
અર્જુન રામ મેઘવાલ
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal) રાજસ્થાનમાં ભાજપના દલિત ચેહરા મનાય છે. ભાજપે ચૂંટણીને ધ્યાને રાખી તેમને રાજસ્થાનમાં કામગીરી સોંપી છે. એટલું જ નહીં તેમને મહત્વનું કહેવાતું કાયદા મંત્રીનું પદ પણ સોંપવામાં આવ્યું છે. ભાજપે તેમને ટિકિટ આપી નથી છતાં તેમને રાજસ્થાનમાં ફરી સક્રિય બનાવી રહ્યા છે અને દલિત વોટો મેળવવાની કામગીરી સોંપી છે. આવી સ્થિતિમાં ભાજપ સત્તામાં આવશે તો મુખ્યમંત્રીની સ્પર્ધામાં મેઘવાલ પણ મુખ્ય ચહેરાઓમાંથી એક હશે.