રાજસ્થાન વિધાનસભાની એ 6 બેઠકો જ્યાં કોંગ્રેસ-ભાજપના દિગ્ગજો વચ્ચે 'કરો યા મરો'ની સ્થિતિ

સીએમ અશોક ગેહલોત સરદારપુર સીટથી ચૂંટણી લડશે

ગોવિંદસિંહ ડોટાસરા સામે ભાજપે ત્રણ વખતના સાંસદને મેદાને ઉતાર્યા

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન વિધાનસભાની એ 6 બેઠકો જ્યાં કોંગ્રેસ-ભાજપના દિગ્ગજો વચ્ચે 'કરો યા મરો'ની સ્થિતિ 1 - image


Rajasthan Election: રાજસ્થાન સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) સહિત અનેક પક્ષો તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યા છે. રાજસ્થાનમાં આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. 25 નવેમ્બરે અહીં મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે. તો ચાલો જાણીએ કે રાજસ્થાનમાં એવા કયા મતવિસ્તારો અને બેઠકો (Hot Seat Rajasthan Election) છે જેના પર સૌની નજર રહેશે. 

1. સરદારપુર 

કોંગ્રેસ : અહીંથી CM ગેહલોત (Ashok Gehlot) ઉમેદવાર છે. તે 5 વખત અહીંથી જ ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 3 વખત આ સીટથી ધારાસભ્ય રહેવાની સાથે જ સીએમ બન્યા છે. 

ભાજપ : ડૉ. મહેન્દ્ર રાઠૌડને ભાજપે આ સીટથી ઉમેદવાર બનાવ્યા છે. તે ભાજપના દિગ્ગજ નેતા મનાય છે. તેઓ જોધપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે પણ કોંગ્રેસની સરકાર આવ્યા બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. એવું મનાય છે કે તેમને આ ટિકિટ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ભલામણ પર મળી છે. 

2. તારાનગર 

કોંગ્રેસ : અહીંથી નરેન્દ્ર બુઢાનિયાને ઉમેદવાર બનાવાયા છે. નરેન્દ્ર પહેલાં સરપંચ હતા. તેના પછી 1985, 1996, 1998 માં ચુરુના સાંસદ રહ્યા. 1993 માં સરદાર શહેરથી ધારાસભ્ય પણ રહ્યા છે. 2009 થી 2018 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે. 2018 માં તારાનગરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. છેલ્લી વખતે તેમણે ભાજપના રાકેશ જાંગિડને હરાવ્યા હતા. 

ભાજપ : રાજેન્દ્ર રાઠૌડ ઉમેદવાર છે. તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા છે. સ્ટુડન્ટ્સ પોલિટિક્સથી મુખ્યધારાના રાજકારણમાં પ્રવેશ કર્યો. 1990માં તેઓ પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. તેના પછી તેઓ કોઈ ચૂંટણી નહોતા હાર્યા. તે સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.  

3. ટોંક 

કોંગ્રેસ : આ સીટ પરથી સચિન પાયલટ (Sachin Pilot) ચૂંટણી મેદાને ઉતર્યા છે. યુવાઓમાં તેમનું જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. 2004માં દૌસાથી તેઓ સૌથી નાની વયના સાંસદ બન્યા હતા. જ્યારે 2009માં અજમેરથી ફરી સાંસદ બન્યા. 2014 ની લોકસભા ચૂંટણી તેઓ હારી ગયા હતા અને તેના પછી 2018 માં તેઓ ટોંકથી મોટા અંતરથી જીત્યાં હતાં. 

ભાજપ : અજીત મહેતાને અહીંથી ભાજપે ટિકિટ આપી છે. તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેના પછી 2014 થી 2018 સુધી વિધાનસભાની અરજી અને રાજકીય ઉપક્રમ સમિતિના સભ્ય પણ રહ્યા હતા. તે ભાજપના શહેર મંડળ અધ્યક્ષ પદે પણ રહ્યા છે. 

4. લક્ષ્મણગઢ 

કોંગ્રેસ : અહીંથી કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાને મેદાને ઉતારાયા છે. ડોટાસરા બે વખત અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ સરકારમાં શિક્ષણ મંત્રી પદે રહ્યા હતા. 

ભાજપ : સુભાષ મહરિયાને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેઓ સીકરથી 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. વ્યવસાયે તેઓ ખેડૂત, સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ પણ છે. 2019માં કોંગ્રેસની ટિકિટ પર તેઓ ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા.

5. નાથદ્વારા 

કોંગ્રેસ : અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ડૉ. સી.પી.જોશી ચૂંટણી લડશે. તેઓ 5 વખત જીતી ચૂક્યા છે. જોકે એક વખતે તેઓ ફક્ત 1 વૉટથી ચૂંટણી હારી ગયા હતા. કેન્દ્ર અને રાજ્યમાં તેઓ મંત્રી પદે રહી ચૂક્યા છે. તેમને કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ પણ બનાવાયા હતા. 1980માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. 

ભાજપ :  ભાજપે અહીંથી વિશ્વરાજ સિંહને ટિકિટ આપી છે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ અને પૂર્વ રાજપરિવારના મહેન્દ્ર સિંહ મેવાડના પુત્ર છે. તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમના પિતા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીથી ચિત્તોડગઢથી સાંસદ રહી ચૂક્યા છે. 

6. તિજારા 

કોંગ્રેસ : અહીંથી ઈમરાન ખાનને ચૂંટણી મેદાને ઉતારાયા છે. તેઓ અગાઉ બસપાના ઉમેદવાર હતા પણ પછીથી તેઓ કોંગ્રેસમાં જોડાઈ અને તેમને ઉમેદવાર બનાવાયા. ઈમરાન આ ક્ષેત્રના મોટા વેપારીઓમાં સામેલ છે. અગાઉ બસપાની ટિકિટ પર અલવરની સીટથી 2019માં તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તે હારી ગયા હતા. 

ભાજપ : અલવરના સાંસદ બાલકનાથ યોગીને અહીંથી ટિકિટ અપાઈ છે. હાલ અલવરથી તેઓ લોકસભાના સાંસદ છે. નાથ સંપ્રદાયના આઠમાં મુખ્ય મહંત પણ છે. તેઓ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબિ ધરાવે છે. તેમને સીએમ ઉમેદવાર પણ મનાય છે. 


Google NewsGoogle News