પરિવર્તન કે પુનરાવર્તન ? 44 દિવસ બાદ રાજસ્થાનમાં ચૂંટણીનો ધમધમાટ થયો બંધ, 5 ફેક્ટરથી નક્કી થશે હાર-જીત
ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓની રેલીઓમાં એકઠી થયેલી ભીડ પણ ઘણી હેડલાઇન્સ બનાવતી હોય છે
આ સિવાય ઘણા સ્ટાર પ્રચારકોએ તેમના વિસ્તારોમાંથી બહાર જવાની ના પાડી હતી તે પણ ચર્ચાનું કારણ બન્યું હતું
Rajasthan Election 2023: 44 દિવસ બાદ રાજસ્થાનની ચૂંટણીનો ધમધમાટ બંધ થઈ ગયો છે. રાજ્યના 5 કરોડ 29 લાખ 31 હજાર 152 મતદારો દ્વારા 1875 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવામાં આવશે. હાલ સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ખરાખરીનો ખેલ છે, પરંતુ હનુમાન બેનીવાલની પાર્ટી ચંદ્રશેખર આઝાદ સાથે ગઠબંધન કરીને લડાઈને અલગ જ ઓપ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યના 30 વર્ષના ઈતિહાસની મદદથી ભાજપ સત્તા પલટાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ ગેહલોતની ગેરંટીથી વલણ બદલવાની આશા રાખી રહી છે. હાલની ચૂંટણીના મુખ્ય મુદ્દા પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિકાસ રહ્યા છે.
હાર-જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા 5 પરિબળો
છેલ્લી ઘડીએ કોંગ્રેસની અંદર અશોક ગેહલોત અને સચિન પાયલોટના જોડાણે ઘણા નેતાઓને ચોંકાવી દીધા હતા. તેમાં પણ ચૂંટણીની પ્રચારની રેલી દરમ્યાન એકઠી થયેલી ભીડ અને સ્ટાર પ્રચારકોએ તેમના વિસ્તારોમાંથી બહાર જવાની ના પાડી હતી તે પણ ચર્ચાનું કારણ બન્યું હતું. આવી સ્થિતિમાં જાણીએ કે આ ચુંટણીની વોટિંગ પેટર્ન શું છે અને કયા 5 પરિબળો છે જે જીત અથવા હારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
1. રિવાજો બદલવાનું વલણ
રાજસ્થાનમાં 1993 થી વર્તમાન સમય સુધી એક ટ્રેન્ડ છે કે દર 5 વર્ષે સરકાર બદલાય છે. 1993માં ભાજપના ભૈરો સિંહ શેખાવત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જયારે 1998માં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી અને અશોક ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ત્યારે 2003માં અશોક ગેહલોતને હારનો સામનો કરવો પડ્યો અને વસુંધરા રાજેએ રાજ્યની કમાન સંભાળી હતી. ત્યારબાદ 2008માં અશોક ગેહલોત બીજી વખત મુખ્યમંત્રી બન્યા. જયારે 2013માં વસુંધરા ફરી સત્તામાં આવી જયારે 2018માં અશોક ગેહલોતને ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. આ વખતે ભાજપ પરંપરા પર ભરોસો કરી રહી છે. પાર્ટીને આશા છે કે રાજસ્થાનના લોકો આ વખતે પરંપરા જાળવી રાખશે. એટલા માટે પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની પણ જાહેરાત કરી નથી. ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે.
2. OPS (ઓલ્ડ પેન્શન સ્કીમ)નો અમલ
2004 કે તે પહેલા સરકાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન આપતી હતી. તેને ઓલ્ડ પેન્શન સ્કીમ કહેવામાં આવે છે. જે અંતર્ગત સરકારી કર્મચારીઓને અડધો પગાર નિવૃત્તિ સમયે પેન્શન તરીકે આપવામાં આવતો હતો. આ ઉપરાંત OPSમાં નિવૃત્તિ બાદ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારને પેન્શનની રકમ આપવામાં આવતી. જેમાં 2014માં મોદી સરકારે એક બિલ પાસ તેમાં ફેરફાર કર્યો અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) લાગુ કરી.
રાજસ્થાનમાં 7.7 લાખ સરકારી કર્મચારીઓ અને 3.5 લાખ પેન્શનરો છે. જેથી આ ચુંટણીમાં જૂની પેન્શન યોજનાને પણ એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે એટલે કે જો સરકારી કર્મચારીના પરિવારમાં સરેરાશ 4 મતદારો હોય તો આ સંખ્યા 40 લાખને પાર કરી જાય તેવી શક્યતાઓ છે. જો કે, ઘણા રાજ્યોએ NPSની જગ્યાએ OPS સિસ્ટમ ફરીથી લાગુ કરી છે. રાજસ્થાન આમાં સૌથી આગળ છે. અમિત શાહે ચૂંટણી પહેલા OPSને લઈને મોટી જાહેરાત કરી છે. શાહે કહ્યું છે કે અમે OPSની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવવા જઈ રહ્યા છીએ, જેના રિપોર્ટના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે.
3. ગેસ સીલીન્ડર અને પેટ્રોલની કિંમત
હાલ રાજસ્થાનમાં ગેસ સીલીન્ડર અને પેટ્રોલની કિંમત પણ એક મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. તેમજ રાજસ્થાન દેશનું એવું પ્રથમ રાજ્ય છે કે જ્યાં ભાજપે 450 રૂપિયામાં LPG સીલીન્ડર આપવાની વાત કરી છે. જેમાં પહેલા પણ કોંગ્રેસ સામાન્ય લોકોને 500 રૂપિયામાં સીલીન્ડર આપતી પરંતુ હવે તેને પણ 400 રૂપિયામાં સીલીન્ડર આપવાની વાત કરી છે. પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં 1.75 કરોડ લોકો LPG ગેસના ગ્રાહકો છે. જે વસ્તીની દ્રષ્ટિએ કુલ મતદારોના 25 ટકા છે.
તેમજ રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત પણ મોટો મુદ્દો છે. જે બાબતે ભાજપે એક સમિતિ બનાવીને પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. જો કે, કોંગ્રેસ મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોનું ઉદાહરણ આપી રહી છે, જ્યાંના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ રાજસ્થાન કરતા ઘણા વધુ છે.
4. કોંગ્રેસ અને ભાજપના બળવાખોરો
આ ચૂંટણીમાં ઘણા મોટા નેતાઓ બળવાખોર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ કે ભાજપ, કોની બનશે સરકાર? આ પ્રશ્નનો જવાબ પણ બંને પક્ષોના બળવાખોર ઉમેદવારો પર નિર્ભર છે. જેમાં બંનેના પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે.
ભાજપ તરફથી પૂર્વ મંત્રીઓ યુનુસ ખાન (ડિડવાના), ચંદ્રભાન અક્યા (ચિત્તોડગઢ), રવિન્દ્ર ભાટી (શિવ), બંશીધર બજિયા (ખંડેલા), પ્રિયંકા ચૌધરી (બાડમેર) અને આશુ સિંહ (જોતવારા)ના નામો મુખ્ય છે. ત્યારે કોંગ્રેસ તરફથી આલોક બેનીવાલ (શાહપુરા), ખિલાડી લાલ બૈરવા (બસેરી), નરેશ મીના (છાબરા-છપરાદ) અને ઓમ બિશ્નોઈ (સાદુલશહર) ચૂંટણી લડી રહ્યા છે.
5. ચાર નાના પક્ષોનું પ્રદર્શન
રાજસ્થાનની ચુંટણી લડાઈમાં બહુજન સમાજ પાર્ટી, આરએલપી, એએસપી અને બીએપી નામની 4 નાની પાર્ટીઓ પણ જોશ સાથે ચૂંટણી લડી રહી છે. ગત ચૂંટણીમાં પણ બસપા અને આરએલપીનો વિજય થયો હતો. બીએપી પાર્ટીની રચના આદિજાતિ પાર્ટીથી અલગ થઈને કરવામાં આવી હતી, જેના બે ઉમેદવારો છેલ્લી ચૂંટણીમાં જીત્યા હતા. બસપાને 6 બેઠકો મળી હતી. આરએલપીના પણ 3 ઉમેદવારો જીત્યા બાદ ગૃહમાં પહોંચ્યા હતા. જયારે આ વખતે બીએપી અને બીએપી અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે આરએલપી અને આઝાદ સમાજ પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. જો આ ચાર પાર્ટીઓને 10 ટકાથી વધુ વોટ મળે તો ઘણી સીટો પર ભાજપ અને કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે.