'સચિન પાયલોટને દુધમાંથી માખીની જેમ બહાર કરી દીધા': રાજસ્થાનમાં PM મોદીએ કોંગ્રેસના આતંરિક વિખવાદ પર કર્યો કટાક્ષ
Image Source: Twitter
- કોંગ્રેસે જળ...જમીન...આકાશ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો: PM મોદી
દેવગઢ, તા. 23 નવેમ્બર 2023, ગુરૂવાર
રાજસ્થાનમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાજસ્થાનના દેવગઢમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ખોટા વચનો આપ્યા છે અને તેના પર મોદીની ગેરેંટી ભારી છે.
રાજસ્થાનના દેવગઢમાં વિશાળ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ સચિન પાયલોટનું નામ લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. પીએમ એ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન પોતાની સામે કોઈને કંઈ જ નથી સમજતા. તેમણે કહ્યું કે, ગુર્જર સમાજથી સચિનને પણ તેમણે ચૂંટણી જીત્યા બાદ દુધમાંથી માખીની જેમ બહાર કરી દીધા હતા.
પીએમ એ કહ્યું કે, કોંગ્રેસે પહેલા ગુર્જર સમાજના નેતા રાજેશ પાયલોટનું અપમાન કર્યું અને હવે સચિનની સાથે પણ એવું જ કર્યું.
2014 પહેલા માત્ર ભ્રષ્ટાચાર જ થતો હતો
પીએમ મોદીએ આગળ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે જળ...જમીન...આકાશ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો છે. પીએમ એ કહ્યું કે, 2014 પહેલા માત્ર ભ્રષ્ટાચાર જ થતો હતો અને ત્યારે BJP ન આવી હોત તો તેજસ જેવા ફાઈટર પ્લેન પણ દેશના જવાનોને ન મળ્યા હોત.
મોદીએ કહ્યું કે, મહિલાઓના અપમાનને ખતમ કરવા માટે લોકોએ હવે રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવવી પડશે અને ભાજપને સત્તામાં લાવવી પડશે. પીએમે કહ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનને ગુનાઓમાં નંબર વન બનાવી દીધુ છે પરંતુ ભાજપ રાજસ્થાનને રોકાણમાં અગ્રેસર બનાવશે.
વડાપ્રધાને આગળ કહ્યું કે, કોંગ્રેસ રાજસ્થાનને ભ્રષ્ટાચાર અને પેપર લીકમાં ટોપ પર લઈ ગઈ છે પરંતુ ભાજપ તમારા રાજ્યને ઉદ્યોગો, શિક્ષણ અને રમતગમતમાં અગ્રેસર બનાવશે.