'આદિવાસી હિન્દુ છે કે નહીં, DNA તપાસ કરાવીશું', ભાજપના મંત્રીના વિવાદિત નિવેદનથી હોબાળો
Image : Facebook |
Rajasthan Education Minister Madan Dilawar Controversial Remark on Tribal : રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરની આદિવાસી સમાજ વિશેની ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરા, ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના સાંસદ રાજકુમાર રોતે મદન દિલાવરના નિવેદનની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે ભાજપે હવે આવી ટિપ્પણીના પરિણામ ભોગવવા પડશે. જોકે નિવેદન પર વધતાં વિવાદને જોતા મદન દિલાવરે સ્પષ્ટીકરણ આપ્યું હતું.
રાજસ્થાનના શિક્ષણમંત્રીનું વિવાદિત નિવેદન
રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે આદિવાસી સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આદિવાસીઓ હિન્દુ છું કે નહીં તે તેમના પૂર્વજોને પૂછે. પેઢીનામું લખનારા લોકોને ન પૂછે કે તે કોણ છે? જો તે હિન્દુ નથી તો અમે તેમના ડીએનએ ટેસ્ટ કરાવીશું અને જાણીશું કે તે તેમના બાપની ઔલાદ છે કે નહીં. બીએપીના સભ્યો દ્વારા આદિવાસી હિન્દુ નથી એવો દાવો કરાયા બાદ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી.
રાજકારણ ગરમાયું, ચોતરફી ટીકા શરૂ
રાજસ્થાનના શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદનની ચોતરફી ટીકા કરતાં સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે અમે મદન દિલાવર સામે આદિવાસી વિરોધી અભિયાન ચલાવીશું અને આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. આ સેમ્પલ રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મદન દિલાવરને મોકલાશે.
આદિવાસીઓને પડકારજનક નિવેદન: રોત
સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે મદન દિલાવરે અમારા પર આરોપ લગાડવા જેવી ભાષા વાપરી છે તે આદિવાસી સમુદાયનું અપમાન કરનારી છે. મારે તેમને એટલું જ કહેવું છે કે બીએપીથી હેરાન થઇને તમે આવા પાયાવગરના નિવેદનો કરી રહ્યા છો. તમે જે નિવેદન આપ્યું તે સમગ્ર દેશના આદિવાસીઓ માટે એક પડકાર છે. હવે નક્કી જ ભાજપે તેના કારણે ભોગવવાનો વારો આવશે.
મદન દિલાવરના રાજીનામાની માગ
રોતે ભારપૂર્વક કહ્યું કે મારે સમગ્ર દેશના આદિવાસીઓને એટલું જ કહેવું છે કે હવે તમારા બ્લડ સેમ્પલ રાજસ્થાનના મુખ્યમંત્રી અને મદન દિલાવરને મોકલો. જો મદન દિલાવર રાજીનામું નહીં મૂકે તો ભાજપ તેમને બરતરફ કરે કેમ કે રાજસ્થાનના શિક્ષણમંત્રીએ સમગ્ર આદિવાસી સમુદાય સામે આરોપ મૂક્યો છે.