VIDEO : રીલ બનાવવા ઓપન જીપમાં નીકળ્યો ડે.સીએમનો દીકરો, આગળ-પાછળ પોલીસ એસ્કોર્ટ
Rajasthan Deputy CM’ Son Viral Video: રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યમાં પરિવહન ખાતું પણ સંભાળતાં પ્રેમચંદ બૈરવાનો પુત્ર જ પરિવહનના કાયદાની ધજિયા ઉડાવતો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીનો પુત્ર આશુ બૈરવા તેના ત્રણ મિત્રો સાથે મળી ટશનમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ફૂલ સ્પીડમાં જીપ ચલાવતા રીલ બનાવતો જોવા મળ્યો હતો. તેની જીપની આગળ-પાછળ પોલીસની ગાડીઓ પણ જોવા મળી હતી.
આશુ બૈરવાનો આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેના ત્રણ સાથી મિત્રોમાં એક કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજનો દિકરો કાર્તિકેય ભારદ્વાજ હતો. આ ચારેય જણ ખુલ્લી જીપમાં સવાર થઈ વરસાદની સિઝનમાં પલળતાં મોજ-મસ્તી કરતા જોવા મળ્યા હતા. જો કે, આ વીડિયો ક્યારે અને ક્યાનો છે, તેની સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયો કાર્તિકેય ભારદ્વાજના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેની ટેગલાઈનમાં “રાજનીતિ હો કે સડક, હમ હર જગહ અપની ચાલ ચલતે હૈ” લખ્યુ હતું.
પ્રેમચંદ બૈરવાએ બચાવ કર્યો
નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ આ વીડિયો બાદ પુત્રનો બચાવ કરતાં કહ્યું કે, “મારો દિકરો હજી બાળક છે. તેઓ મિત્રો હતા. હું વડાપ્રધાનનો આભાર માનુ છું કે, મને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો. વીડિયો વાયરલ થતાં લોકો મારા બાળક વિશે પૂછવા લાગ્યા, ઓળખવા લાગ્યા. પોલીસ સિક્યોરિટી આપી રહી છે. આથી દિકરાની જીપની આગળ-પાછળ પોલીસની ગાડી છે. હું મારા બાળકને દોષિત માનતો નથી.”