ઇન્દિરા ગાંધીને 'દાદી' કહેવા મુદ્દે રાજસ્થાનમાં વિવાદ: કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભામાં વિતાવી રાત
Rajasthan Controversy Over Indira Gnadhi: રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે જોરદાર હંગામો થયો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અવિનાશ ગેહલોત દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભારે હોબાળો થયો હતો. હંગામાને કારણે કોંગ્રેસના 6 ધારાસભ્યોને બજેટ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાન વિધાનસભામાં ધાબળા, ચાદર અને ગાદલા નાખીને વિધાનસભાને પોતાનું ઘર બનાવીને આખી રાત વિતાવી હતી. તમામ ધારાસભ્યોની માંગ છે કે સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે.
જાણો શું છે વિવાદ
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અવિનાશ ગેહલોતે ઇન્દિરા ગાંધીને લઈને આપેલા નિવેદનથી હોબાળો શરુ થયો હતો. મંત્રી ગેહલોતે પ્રશ્નકાળ દરમિયાન કામકાજની મહિલાઓ માટે હોસ્ટેલ સંબંધિત પ્રશ્નનો જવાબ આપતાં વિપક્ષ તરફ ઇશારો કરતાં કહ્યું કે, 'દર વખતની જેમ 2023-24ના બજેટમાં પણ તમે આ યોજનાનું નામ તમારા 'દાદી' ઇન્દિરા ગાંધીના નામ પર રાખ્યું હતું.'
6 ધારાસભ્યો સસ્પેન્ડ
વિપક્ષી નેતાઓએ સ્પીકર વાસુદેવ દેવનાનીને અવિનાશ ગેહલોતની ટિપ્પણી હટાવવાની માંગ કરી હતી. પરંતુ વિધાનસભા અધ્યક્ષે વિપક્ષની માગણી ન સ્વીકારી, જેના કારણે હંગામો શરુ થયો. હંગામાને કારણે વિધાનસભાની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી હતી.
ધારાસભ્યોને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
જ્યારે વિધાનસભાની કાર્યવાહી ફરી શરુ થઈ ત્યારે ચીફ વ્હીપ જોગેશ્વર ગર્ગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરા, અમીન કાગઝી, રામકેશ મીના, હકમ અલી સહિત કોંગ્રેસના છ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી. ઠરાવ પસાર થયા પછી, ધારાસભ્યોને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અવિનાશ ગેહલોતનું વિવાદો સાથે જૂનો સંબંધ
ભજનલાલ સરકારમાં મંત્રી અવિનાશ ગેહલોતનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. તે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અવિનાશ ગેહલોત બીજી વખત ધારાસભ્ય બન્યા છે અને ભાજપના સંગઠનમાં ઘણા મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. આ પહેલા અવિનાશ ગેહલોતે તેમની સરકારને ગફલતભરી સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર માત્ર કાગળ પર ચાલે છે.