'ભાજપનું ધર્મ કાર્ડ ચાલી જશે તો...' ચૂંટણી પરિણામ પહેલાં ગેહલોતનું મોટું નિવેદન, શું પરાજયનો ડર?
રાજસ્થાનમાં 30 વર્ષથી ચાલતો ટ્રેન્ડ ખતમ કરવાનો ગેહલોતને વિશ્વાસ
ગેહલોતે કહ્યું રાજસ્થાનમાં કોંગ્રેસ આ 3 કારણોસર ચોક્કસ જીતશે
Rajasthan Election 2023 | રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનના પરિણામો પણ 3 ડિસેમ્બરે આવશે. રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જો કે, તેમણે કહ્યું કે ચૂંટણીમાં ભાજપે ધર્મની આડમાં ડરામણા અને તણાવપૂર્ણ નિવેદનો કર્યા હતા. ભાજપનું ધર્મ કાર્ડ ચાલી જશે તો અલગ વાત છે. ધર્મ કાર્ડ નહીં ચાલે તો અમે ફરીવાર સરકાર બનાવીશું.
ગેહલોતે કહ્યું - એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપશો
ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ અને સર્વે પર એટલું ધ્યાન આપવાની જરૂર નથી. રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે તે નક્કી. ભાજપના નેતાઓ લોકોની સામે ડરામણી અને બદલાની ભાષા બોલી રહ્યા હતા. પીએમ મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે ધર્મના નામે એકતા અને ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો.
ગેહલોતે રાજસ્થાનમાં કોંગ્રેસની જીતના 3 કારણો ગણાવ્યા
ગેહલોતે કહ્યું કે, એક્ઝિટ પોલ ગમે તે કહે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે. ભાજપ 5માંથી એક પણ રાજ્યમાં જીતી નહીં શકે. રાજસ્થાનના લોકો ફરીવાર રાજ્યમાં કોંગ્રેસની સરકાર લાવશે અને તેના માટે 3 કારણો છે. પહેલું કારણ એ છે કે સરકાર સામે સત્તા વિરોધી લહેર નથી, એવું નિષ્ણાતો પણ કહી રહ્યા છે. બીજું કારણ સીએમ છે. ભાજપના મતદારો પણ કહેશે કે મુખ્યમંત્રીએ વિકાસના કામો કરવામાં કોઈ કસર છોડી નથી. ત્રીજું પ્રચાર દરમિયાન વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા બોલવામાં આવતી ભાષા છે. એ ભાષા કોઈને ગમતી નહોતી.
200 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે પૂર્ણ
રાજસ્થાનમાં 25 નવેમ્બરે 200 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં માત્ર 199 બેઠકો પર જ મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 74.96 ટકા મતદાન થયું હતું. જ્યારે પોસ્ટલ બેલેટ અને હોમ વોટિંગ દ્વારા 0.83 ટકા મતદાન થયું હતું. 2018ની ચૂંટણીમાં રાજસ્થાનમાં 74.06 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે ચૂંટણીમાં 0.9 ટકા વધુ મતદાન થયું છે.
રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ
રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભાજપે 1993માં અહીં જીત મેળવી હતી. આ પછી 1998માં થયેલી ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 5 વર્ષ બાદ 2003માં જનતાએ ફરી ભાજપને જીત અપાવી. આ પછી 2008માં કોંગ્રેસ, 2013માં ભાજપ અને 2018માં કોંગ્રેસ જીતી હતી. હવે જોવાનું એ રહે છે કે શું આ વખતે પણ રાજસ્થાનમાં ત્રીસ વર્ષથી ચાલતો ટ્રેન્ડ ચાલુ રહેશે કે પછી બદલાશે?