ચૂંટણી પહેલા રાજસ્થાનના CMનો માસ્ટર સ્ટ્રોક ! 3 નવા જિલ્લાની જાહેરાત, પાયલોટ સહિત ભાજપના 3 દિગ્ગજોની મુશ્કેલી વધી
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, આગામી સમયમાં પણ કેટલાક જિલ્લાઓની જાહેરાત થઈ શકે છે
અગાઉ 19 નવા જિલ્લાની જાહેરાત થઈ હતી : આજની જાહેરાત બાદ કુલ જિલ્લાની સંખ્યા 53 થઈ જશે
જયપુર, તા.06 ઓક્ટોબર-2023, શુક્રવાર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Rajasthan CM Ashok Gehlot) વિધાનસભા ચૂંટણી પહેલા મોટો નિર્ણય કર્યો છે. ગેહલોત દ્વારા રાજસ્થાનમાં 3 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નવા જિલ્લાઓમાં માલપુરા, સુજાનગઢ અને કુચામન સિટીનો સમાવેશ થાય છે. આ અંગે ગેહલોતે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, જનતાની માંગ તેમજ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ મુજબ રાજસ્થાનમાં વધુ ત્રણ નવા જિલ્લા બનાવાશેઃ 1.માલપુર, 2.સુજાનગઢ, 3 કુચામન સિટી...
અગાઉ 19 નવા જિલ્લાની જાહેરાત કરાઈ હતી
અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ મુજબ આગામી સમયમાં પણ સીમાંકન સહિતની સમસ્યાઓ દુર કરાશે. રાજ્યમાં અગાઉ 33 જિલ્લા હતા, ત્યારબાદ સીએમ ગેહલોતે 17 માર્ચ-2023ના રોજ 19 નવા જિલ્લાઓની જાહેરાત કર્યા બાદ જિલ્લાઓની કુલ સંખ્યા 50 પર પહોંચી ગઈ છે. ત્યારે હવે વધુ ત્રણ જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે 7મી ઓગસ્ટે ઓનલાઈન માધ્યમથી રાજ્યના નવા જિલ્લાઓનું ઉદઘાટન કર્યું હતું. 3 જિલ્લાની જાહેરાત કરાયા બાદ રાજ્યમાં કુલ જિલ્લાની સંખ્યા 53 થઈ જશે.
નવા જિલ્લાની જાહેરાત બાદ સચિન સહિત 4 દિગ્ગજ નેતાની મુશ્કેલી વધશે ?
નવો જિલ્લો કુચામનનો અગાઉ નાગૌરમાં સમાવેશ થયો હતો. તે અગાઉ ડીડવાના-કુચામન જિલ્લા બનાવાયો હતો. હવે કુચામનને અલગ કરી દેવાયો છે. એવું કહેવાય છે કે, ડીડવાના-કુચામન જિલ્લામાં ભાજપમાં ગયેલા જ્યોતિ મિર્ધા (Jyoti Mirdha)નો દમદબો છે, ઉપરાંત ભાજપના હનુમાન બેનીવાલ (Hanuman Beniwal)નું પણ વર્ચસ્વ છે, જેથી કુચામનને અલગ કરી નવો જિલ્લો જાહેર કરવો તે ગેહલોત સરકારનો માસ્ટરસ્ટ્રોક છે.
ચુરુમાંથી સુજાનગઢને અલગ કરી જિલ્લો જાહેર કરાયો છે. ચુરુમાં ભાજપના રાજેન્દ્ર રાઠોડ (Rajendra Singh Rathore)નો દબદબો હોવાનું કહેવાય છે.
ટોંકમાંથી માલપુર જિલ્લાને અલગ કરી જિલ્લો જાહેર કરાયો છે. સચિન પાયલોટ (Sachin Pilot) ટોંકના ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં માલપુરાને અલગ કરી મોટો સંકેત આપી દેવાયો છે.
CM ગેહલોતે શું કહ્યું ?
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, અમે 3 નવા જિલ્લો બનાવવાનો પ્રસ્તાવ રાજલુભાયા કમિટીને મોકલી રહ્યા છે. અમે અન્ય જિલ્લાઓમાંથી આવેલી માંગણીની તપાસ કરાવીશું. કુચામન અને નવા ક્ષેત્રના લોકો અલગ જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા હતા. સુજાનગઢના ધારાસભ્ય અને સ્થાનિક લોકો પણ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. આ માટે ધરણા પણ કર્યા, તેથી આ માંગણી માનવામાં આવી છે. આગામી સમયમાં પણ કેટલાક જિલ્લાઓની જાહેરાત થઈ શકે છે.