લોકસભામાં ભાજપે પત્તું કાપતાં સાંસદે કર્યું શક્તિ પ્રદર્શન, સમર્થકોની હાજરીમાં કર્યું મોટું એલાન
Lok Sabha Election : ભાજપ તરફથી 195 બેઠકો પર ઉમેદવારોનું એલાન થઈ ચૂક્યું છે અને ટુંક સમયમાં જ બીજી યાદી જાહેર થવાની તૈયારી છે. પહેલી યાદીમાં જે સાંસદોની ટિકિટ કપાઈ છે તેમાંથી એકે બળવો શરૂ કરી દીધો છે. રાજસ્થાનના ચુરૂથી સાંસદ રાહુલ કસ્વાંએ શુક્રવારે પોતાના નિવાસસ્થાને હજારો સમર્થકોને એકઠા કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે એક એલાન પણ કરી દીધું છે.
રાહુલ કસ્વાંએ ભાવુક અંદાજમાં સમર્થકોની સામે પોતાની વાત રાખી અને પોતાની નારાજગી ખુલીને વ્યક્ત કરી. રાહુલે સમર્થકોને પૂછ્યું કે, તેમણે શું કરવું જોઈએ. સમર્થકોએ તેના પર જ નિર્ણય છોડ્યો... તો કસ્વાંએ ચૂંટણી લડવાનો સંકેત આપતા કહ્યું કે, 'નિર્ણય જનતાએ લઈ લીધો છે અને મેં વાત સાંભળી લીધી છે. તમારી ભાવનાઓનો હું આદર કરું છું. મને બસ તમારા લોકોનો સાથ જોઈએ.'
રાહુલે કોઈનું નામ લીધા વગર ભાજપના કેટલાક નેતાઓ પર પ્રહાર કર્યા. રાહુલ કસ્વાંએ કહ્યું કે, ચુરૂના બાળકો પોતાના ભવિષ્યનો નિર્ણય કરશે, આ કોઈ એક વ્યક્તિ નક્કી ન કરી શકે. આ ચૂંટણી એ વાતનો નિર્ણય કરશે કે શું એક વ્યક્તિ આપણા આવનારા ભવિષ્યનો નિર્ણય કરશે. શું તે વ્યક્તિ નક્કી કરશે કે કોણ જીવશે કોણ મરશે. આ લડાઈ કોઈ ચૂંટણીની નથી વિચારધારાની છે, એક સત્ય અને ઈમાનદારી વિરૂદ્ધ એક વ્યક્તિના અહંકારની લડાઈ છે. હું તમારા દરબારમાં આવ્યો છું. સમજી નથી શકી રહ્યો કે કયા રસ્તે ચાલું. તમે મને જણાવો. હું ક્યારેય ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહીં. ઝુકીશ તો માત્ર સન્માન માટે.