કેરળમાં 358 લોકોના મોત અંગે ભાજપ નેતાનો બફાટ, કહ્યું- ગૌહત્યા કરશો તો આવી તબાહી થશે
Wayanad Landslide: કેરળના વાયનાડમાં કુદરતના કેરથી અત્યારસુધી 358 લોકોના મોત થયા છે. આ મામલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ છે. ભૂસ્ખલનના દ્રશ્યો કાળજા કંપાવી દે તેવા છે. સતત પાંચમાં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ છે. આ વચ્ચે ભાજપના એક નેતાનું વાયનાડ ભૂસ્ખલન અંગે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જ્ઞાનદેવ અહુજાએ વાયનાડની દુર્ઘટનાને ગૌહત્યા સાથે જોડી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે, ગૌહત્યાના કારણે આવી ઘટનાઓ થાય છે, જ્યાં ગૌહત્યા થશે ત્યાં આવી ઘટનાઓ બનશે.
નેતાએ આપ્યું વિવાદિત નિવેદન
મીડિયા સાથે વાત કરતી વખતે જ્ઞાનદેવ અહુજાએ કહ્યું કે, વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાઓ સરળ રીતે ગૌહત્યાનું પરિણામ છે. વધુમાં તેમણે ચેતવણી આપી કે, જ્યાં સુધી કેરળમાં આ પ્રથા બંધ નહીં થાય ત્યાં સુધી આવી જ તારજી સર્જાતી રહેશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલન જેવી પ્રાકૃતિક આપત્તિઓ અવારનવાર આવતી હોય છે, પરંતુ તેનાથી ક્યારેય આટલું મોટું વિનાશ સર્જાતું નથી. 2018થી અમે એક પેટર્ન જોઇ છે. જે મુજબ જ્યાં ગૌહત્યા થતી હોય છે તેવા ક્ષેત્રોમાં આવી આપત્તિઓ આવતી હોય છે. જો ગૌહત્યા બંધ નહીં થાય તો કેરળમાં આવી તારાજી સર્જાતી રહેશે.
શું છે વાયનાડની વર્તમાન સ્થિતિ
30 જુલાઇએ વાયનાડના મુંડાકઇ, ચૂરલમાલા અને મેપડી સહિત કેટલાક ગામોમાં ભૂસ્ખલન થયું હતું. રાજ્ય સરકારના લેટેસ્ટ અપડેટ મુજબ, આ ઘટનામાં અત્યાર સુધી 358 લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ કામગીરી સતત પાંચમાં દિવસે પણ ચાલુ છે. કાટમાળ અને તણાઇ ગયેલા ઘરોના નીચે દટાયેલા લોકોને શોધવા માટે ડીપ સર્ચ રડારનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. 3 ઓગસ્ટે વાયુસેના પાસેથી જેવર રડાર અને દિલ્હીના તિરંગા માઉન્ટેન રેસ્ક્યૂ ઓર્ગેનાઇઝેશન પાસેથી ચાર રીકો રડાર વાયનાડ લાવવામાં આવ્યા છે. જેનાથી શોધખોળની કામગીરી વધુ સરળ બનશે. અહેવાલ અનુસાર ભૂસ્ખલનની ઘટનામાં 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચોઃ Wayanad Landslide : બાળકીએ એક વર્ષ પહેલા લખેલી વાર્તા સાચી પડી! સ્કૂલના 32 બાળકોનું નિધન