16 MLAના નિધન, સ્પીકર થયા હતા બેભાન: વાસ્તુદોષથી ગભરાયેલી રાજસ્થાન સરકારે વિધાનસભામાં કર્યા ફેરફાર
Rajasthan Assembly Budget Session 2025 : રાજસ્થાનમાં નવી વિધાનસભા બન્યા બાદ અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોના નિધન થયા છે. એટલું જ નહીં એક કાર્યક્રમમાં ગયેલા સ્પીકર પણ બેહોશ થયા હતા. હવે આ તમામ ઘટનાઓને ધ્યાને રાખી રાજ્યના વિધાનસભામાં ધરમૂળથી ફેરફાર કરી દેવાયા છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે, વાસ્તુદોષના કારણે વિધાનસભામાં કાર્પેટથી લઈને પ્રવેશ દ્વાર સુધી અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.
વાસ્તુદોષના કારણે વિધાનસભામાં ફેરફાર
વાસ્તવમાં રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર-2025 શરૂ થયું, ત્યારે વિધાનસભાનું ચિત્ર બદલાઈ ગયું છે. નીચેનું કાર્પેટ લીલાથી ગુલાબી કરી દેવાયું છે, તો એન્ટ્રી ગેટની પણ દિશા બદલી દેવાઈ છે. વિધાનસભામાં ધરમૂળથી ફેરફાર થયા બાદ ધારાસભ્યોએ કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ જવાબ આપ્યો કે, ‘વાસ્તુદોષના કારણે આ નિર્ણય લેવાયો છે.’
વિધાનસભામાં હજુ ફેરફાર કરાશે : સ્પીકર દેવનાની
વિધાનસભામાં ધારાસભ્યો સાથે વાતચીત કરતા દેવનાનીએ કહ્યું કે, ‘આ બધા ફેરફાર વાસ્તુદોષના કારણે કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે. રાજસ્થાનમાં વર્ષ 2001માં નવું વિધાનસભા તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં પદ પર રહેલા 16 ધારાસભ્યોના નિધન થયા છે. તાજેતરમાં જ અધ્યક્ષ વાસુદેવ દેવનાનીને હાર્ટ એટેક આવ્યો હતો. તેથી આ ફેરફારોને આ તમામ ઘટનાક્રમો સાથે જોડવામાં આવી રહ્યા છે.
2001થી અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોના નિધન, સ્પીકર પણ થયા બેહોશ
રાજસ્થાન વિધાસભામાં વર્ષ 2001માં બનીને તૈયાર થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં પદ પર રહેલા 16 ધારાસભ્યોના નિધન થયા છે. એટલું જ નહીં વિધાનસભાના સ્પીકર વાસુદેવ દેવનાની 20 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં જવાના હતા, જ્યાં તેમણે અસ્વસ્થ હોવાની ફરિયાદ કરતાં તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટએટેક આવ્યો હતો, જોકે તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરતા તેઓ બચી ગયા.
2001માં વિધાનસભા બન્યું હતું, ત્યારથી બબાલ
વર્ષ 2001માં તત્કાલીન અશોક ગેહલોતની સરકારમાં નવી વિધાનસભામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી વાસ્તુદોષની ચર્ચાઓ ચાલી રહી છે. આ મુદ્દે વિધાનસભામાં પણ અનેકવાર સવાલો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હવન પણ કરવામાં આવ્યું હતું. 16.1 એકરમાં નિર્માણ પામેલા વિધાનસભા અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. રાજસ્થાનમાં વાસ્તુદોષનો મુદ્દો સત્તાવાર રીતે આઠ વાર ઉઠાવાયો છે. જોકે અગાઉ તેમના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું નથી.
આ પણ વાંચો : કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું: PM મોદીનો સોનિયા ગાંધીને જવાબ
ઉદઘાટન પહેલા જ તત્કાલીન રાષ્ટ્રપતિ બિમાર
એવું કહેવાય છે કે, ઉદઘાટન કર્યા વગર જ વિધાનસભાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. વાસ્તવમાં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ વિધાનસભાનું ઉદઘાટન કરવાના હતા, પરંતુ તેઓ તે પહેલા જ બિમાર પડ્યા હતા, જેના કારણે ઉદઘાટન જ કરાયું ન હતું અને તેમ છતાં વિધાનસભાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને સૌથી મોટો ઝટકો! સાત ધારાસભ્યોએ AAPમાંથી આપ્યું રાજીનામું