'સોરી મમ્મી-પપ્પા, હું સૌથી ખરાબ દીકરી છું..' રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થિનીનો આપઘાત
કોટામાં વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી લેવાની આ વર્ષની આ બીજી ઘટના
image : Twitter |
Rajasthan Kota students News | શિક્ષણની નગરી તરીકે ઓળખાતા કોટાથી આજે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા. અહીં વધુ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. તે અહીં JEE મેઈન્સની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મૃતક વિદ્યાર્થિનીની 31 તારીખે JEE મેઈન્સની પરીક્ષા હતી. જોકે એવી ચર્ચા છે કે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હતું.
સુસાઈડ નોટમાં શું લખ્યું?
વિદ્યાર્થિનીએ કથિત સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી-પપ્પા હું JEE નહીં કરી શકું એટલા માટે આત્મહત્યા કરી રહી છું. હું સૌથી ખરાબ દીકરી છું. સોરી મમ્મી-પપ્પા.
ગત વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 29 આત્મહત્યાના મામલા સામે આવ્યા હતા
ઘટનાની જાણ થયા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, તેમની દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. કોટામાં વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી લેવાની આ વર્ષની આ બીજી ઘટના છે. જ્યારે ગત વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 29 આત્મહત્યાના મામલા સામે આવ્યા હતા.
વિદ્યાર્થીનીની સુસાઈડ નોટ મળી આવી
કોટામાં છેલ્લા એક અઠવાડિયામાં આત્મહત્યાનો આ બીજો મામલો છે. પોલીસને મૃતક વિદ્યાર્થીનીની સુસાઈડ નોટ પણ મળી આવી છે. કોટામાં આજે નિહારિકા (18) નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. તે JEE મેઈન્સની તૈયારી કરી રહી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના માતા-પિતાને એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, હું JEE ન કરી શકું તેથી હું આત્મહત્યા કરવા જઈ રહી છું. હું લૂઝર છું. હું એક ખરાબ દીકરી છું. મમ્મી-પપ્પા મને માફ કરજો. આ લાસ્ટ ઓપ્શન છે.
31 તારીખે મૃતક વિદ્યાર્થીનીની JEE મેઈન્સ
મૃતક નિહારિકાની બુધવારે એટલે કે, 31 જાન્યુઆરીના રોજ JEE મેઈન્સની પરીક્ષા હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે નિહારિકા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. પરીક્ષાના બે દિવસ પહેલા તેણે ડિપ્રેશનમાં આવીને કોટા સ્થિત પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસે મૃતદેહને કબજે કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને રૂમમાંથી સુસાઈડ નોટ મળી છે.
સુસાઈડ 'હબ' બની ગયું છે કોટા!
કોટાને કોચિંગ હબ ગણવામાં આવે છે. પરંતુ તે હવે ક્યાંકને ક્યાંક સુસાઈડ હબ બની રહ્યું છે. અહીં દર વર્ષે દેશભરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરવા આવે છે. ગત વર્ષે કોટામાં 29 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને કોચિંગ સંસ્થાઓના તમામ પ્રયત્નો છતાં આત્મહત્યાની ઘટનાનો સિલસિલો યથાવત છે.