100 યુવતી સાથે દુષ્કર્મ: દેશભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં 32 વર્ષે ચુકાદો, 6ને આજીવન કેદ અને 5-5 લાખનો દંડ
Ajmer Rape Case 1992 : દેશના સૌથી મોટા અને ચર્ચાસ્પદ સેક્સ સ્કેન્ડલ અને અજમેરના બ્લેકમેલ કાંડમાં આખરે 32 વર્ષે ચુકાદો આવ્યો છે. અજમેરની સ્પેશિયલ કોર્ટ પોક્સો કોર્ટ નંબર 2માં આરોપીઓની હાજરીમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સાતમાંથી છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીઓને પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારાયો છે.
છ આરોપી વિરુદ્ધ 2021માં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી
આ પહેલા મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં તમામ આરોપીઓનો દોષિત જાહેર કરાયા હતા. આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈનનો સમાવેશ થાય છે. આ છ આરોપીઓ વિરુદ્ધ 23 જૂન-2021માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં જુલાઈ-2024માં સુનાવણી પૂરી થઈ હતી.
100થી વધુ કૉલેજ ગર્લ્સ પર દુષ્કર્મનો મામલો
વાસ્તવમાં વર્ષ 1992માં 100થી વધુ કૉલેજ યુવતીઓ સાથે દુષ્કર્મ અને તેમના ન્યૂડ ફોટો લીક થઈ ગયા પછી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે 18 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાં નવ આરોપીની સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે.
અજમેર યુથ કોંગ્રેસનો પ્રમુખ માસ્ટર માઇન્ડ
આ સ્કેન્ડલનો માસ્ટરમાઇન્ડ અજમેર યુથ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ ફારૂક ચિશ્તી હતો. તેણે ઉદ્યોગપતિના પુત્ર સાથે મિત્રતા કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ તેણે બ્લેકમેલની ગેમ શરુ કરી પીડિત છોકરાને તેની ગર્લફ્રેન્ડ સાથે તેના પોલ્ટ્રી ફાર્મમાં બોલાવ્યો અને ત્યાં દુષ્કર્મ કર્યું હતું.
ત્યારબાદ એક પછી એક ઘણી યુવતીઓને બ્લેકમેલ કરી ફાર્મ પર બોલાવી દુષ્કર્મ કરતો રહ્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ ભયાનકતાની તમામ હદો પાર કરી પીડિત યુવતીઓની તસવીરો પણ કેમેરામાં કેદ કરી હતી. તેણે ફોટાની રીલ પ્રિન્ટઆઉટ માટે કલર લેબમાં મોકલી હતી. યુવતીઓના ફોટા મળ્યા બાદ લેબમાં કામ કરતાં કર્મચારીઓએ આ ફોટો અનેક લોકોને મોકલી દીધા હતા. ત્યારબાદ છ યુવતીઓએ પણ આત્મહત્યા કરી લીધી હતી.