રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, ગુજરાતના પૂર્વ રાજ્યપાલના પુત્ર સહિત 25થી વધુ નેતાના કેસરિયા
Rajasthan Politics : આગામી લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન કોંગ્રેસના નવ મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે. અશોક ગેહલોતમાં મંત્રી રહેલા લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવે પણ કેસરિયા કર્યા છે. તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું.
લાલચંદ કટારિયા એક વરિષ્ઠ જાટ નેતા છે અને અશોક ગેહલોત સરકારમાં કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રહી ચૂક્યા છે. કટારિયા મનમોહન સિંહ સરકારમાં કેબિનેટનો પણ ભાગ રહી ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણી બાદથી રાજ્ય કોંગ્રેસમાં વિખવાદ શરૂ થયો હતો. એજ કારણે પાર્ટીના કેટલાક નેતાઓ કોંગ્રેસમાંથી અલવિદા કહી રહ્યા છે.
ભાજપ કાર્યાલયમાં તમામ નેતાઓનું સ્વાગત કરાયું
રાજેન્દ્ર યાદવ પણ ગેહલોત કેબિનેટમાં ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા અને તેમની પાસે ગૃહ રાજ્ય મંત્રાલય હતું. આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ મોટા આંચકા સમાન છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રિછપાલ મિર્ધા, વિજયપાલ મિર્ધા, પૂર્વ ધારાસભ્ય અને એસસી આયોગના અધ્યક્ષ ખિલાડી બૈરવા, પૂર્વ અપક્ષ ધારાસભ્ય આલોક બેનીવાલ, પૂર્વ રાજ્ય પાર્ટી પ્રમુખ સેવા દળ સુરેશ ચૌધરી, રામપાલ શર્મા અને રિઝુ ઝુનઝુનવાલા સહિત અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે.
આ સિવાય રામનારાયણ કિસાન, અનિલ વ્યાસ, ઔંકાર સિંહ ચૌધરી, ભઆર કૃષક સમાજ ગોપાલ રામ કુકણા, અશોક જાંગિડ, પ્રિયા સિંહ, સુરેશ ચૌધરી, રાજેન્દ્ર પરસવાલ, શૈતાન સિંહ મેહરડા, રામનારાયણ ઝાઝડા, હરજીરામ બુરડક પણ ભાજપમાં જોડાયા છે.
રાજસ્થાન ઓલ જાટ મહાસભા પ્રદેશ અધ્યક્ષ કર્મવીર ચૌધરી, રાજસ્થાન ઓલ જાટ મહાસભા યુવા અધ્યક્ષ કુલદીપ ઢેવા, બચ્ચૂ સિંહ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય રામલાલ મીણા, પૂર્વ સચિવ પ્રદેશ કોંગ્રેસ કમિટી મહેશ શર્મા, પૂર્વ મંત્રી માલપુરા રણજીત સિંહ, પ્રદેશ અધ્યક્ષ બ્રાહ્મણ મહાસભા મધુસૂદન શર્માએ પણ કેસરિયા કર્યા છે.
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસ નેતા રહી ચૂકેલા કમલા બેનીવાલના દીકરા આલોક બેનીવાલને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ શાહપુરા બેઠકથી અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તો પાંચ વર્ષ સુધી અશોક ગેહલોતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારના સમર્થક રહ્યા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ટિકિટ ન આપી અને મનાઈ રહ્યું છે કે એજ કારણે તેઓ ભાજપમાં જોડાયા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીપી જોશી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જયપુરમાં ભાજપ હેડક્વાર્ટર પર તેમનું પાર્ટીમાં સ્વાગત્ કર્યું.