એક પણ બેઠક ન મળતાં દિગ્ગજ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં, ચૂંટણીપંચ માન્યતા રદ કરે તેવી શક્યતા
Maharashtra Assembly Election Result 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ખાતું પણ ન ખોલાવી શક્તા પક્ષના વડા રાજ ઠાકરેનું રાજકીય અસ્તિત્ત્વ જ જોખમમાં મૂકાયું છે. ચૂંટણી પંચ તરફથી પ્રાદેશિક પક્ષ તરીકેની મનસેની માન્યતા પણ રદ કરે એવી શક્યતા છે.
નવનિર્માણ સેનાએ 128 ઉમેદવારો ઊભા રાખ્યા હતા
નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મુંબઈના માહિમ વિસ્તારની બેઠક પરથી પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઊતાર્યો હતા. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં 128 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ બધાં જ ઉમેદવારોનો પરાજય થયો હતો. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમની બેઠક પર કાકા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર મહેશ સાવંતે હરાવ્યા હતા. આમ આ ચૂંટણીમાં મનસેના તમામ ઉમેદવારોનો ધોર પરાજય થયો હતો.
વર્ષ 2019ની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ માત્ર એક બેઠક જીતી હતી, જ્યારે આ વખતે તો સાવ સૂપડા સાફ થઈ ગયા હતા. રાજ ઠાકરેએ શિવસેના સાથે છેડો ફાડી 2006માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામે નવો પક્ષ રચ્યો હતો. વર્ષ 2009ની વિધાનસભાની ચૂંટણીમાં મનસેએ પહેલી વાર ઝંપલાવ્યું ત્યારે 13 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે રાજ ઠાકરેએ મરાઠી માણૂસના મુદ્દાને ચગાવીને મત મેળવ્યા હતા. પરંતુ ત્યાર પછી 2014ની ચૂંટણીમાં બે ઉમેદવાર અને 2019ની ચૂંટણીમાં માત્ર એક ઉમેદવારનો વિજય થયો હતો. આમ 13માંથી શૂન્ય પર મનસે આવી ગઈ છે.