રાજ ઠાકરે બની જશે શિવસેનાના ચીફ? મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ, જાણો કેમ થઈ રહી છે અટકળો
રાજ ઠાકરેએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
Lok Sabha Elections 2024: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં સૌથી ઓછા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે ગઠબંધન કરી શકે છે અને તે શિવસેનાના અધ્યક્ષ બની શકે છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એનડીએમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ
અહેવાલો અનુસાર, એમએનએસના શિવસેના (શિંદે) સાથે ગઠબંધનની ચર્ચાઓથી રાજકીય માહોલ ગરમાયો છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે જાહેરત કરવામાં આવી નથી. જો એમએનએસના વડા રાજ ઠાકરે શિવસેનામાં પાછા ફરે છે, તો રાજ ઠાકરે શિવસેના (શિંદે)ના નેતા તરીકે મહારાષ્ટ્રમાં પ્રચાર કરી શકે છે. બાલાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના સીએમ એકનાથ શિંદેની સાથે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના રાજ ઠાકરે સાથે ખૂબ સારા સંબંધો છે, જો કે શિવસેનામાં રાજ ઠાકરના પ્રવેશ અંગેનો નિર્ણય તેમણે તેમના રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવો પડશે. મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલું જ નહીં બીએમસીની ચૂંટણી પણ બાકી છે.
બેઠક વહેંચણી બાકી
કોંગ્રેસ અને ભાજપે તેમના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સિવાય શરદ પવારની આગેવાની હેઠળની NCPએ સુપ્રિયા સુલેને બારામતીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજિત પવારની આગેવાની હેઠળના પક્ષોએ હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. મહાવિકાસ અઘાડી તેમજ મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ ઠાકરે તેમના પુત્ર અમિત સાથે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમના મહાયુતિમાં પ્રવેશની અટકળો ચાલી રહી હતી, જો કે, આ અંગે કોઈ સત્તાવાર અપડેટ બહાર આવ્યું નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, જો આવું થાય તો ભાજપ રાજ ઠાકરે સાથે લાંબા ગાળાની ભાગીદારી કરવા માંગે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ભાજપ શિવસેના (શિંદે)ની સાથે છે.