શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાની 98 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી
ED Seized Shilpa Shetty-Raj Kundras property: ઈડીએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. આ વખતે બોલિવૂડ જગતના સ્ટાર્સને નિશાન બનાવાયા છે. ઈડીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રા સામે કાર્યવાહી કરતાં લગભગ 98 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2011માં સામે આવેલા પોર્નોગ્રાફી કેસમાં કુંદ્રાનું નામ સંપડાયું હતું. ત્યારે તેમની ધરપકડ પણ થઇ હતી. જોકે પછીથી જામીન મળી ગયા હતા.
જૂહુમાં આવેલો બંગલો પણ ટાંચમાં લેવાયો
અહેવાલ અનુસાર ઈડીએ કુંદ્રાની જે મિલકતો ટાંચમાં લીધી છે તેમાં શિલ્પા શેટ્ટીનો જૂહુમાં આવેલો બંગલો પણ સામેલ છે. બિઝનેસમેન સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA 2002 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે શિલ્પા શેટ્ટી અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં ભાગીદાર રહી ચૂકી છે.
કયા કેસમાં કાર્યવાહી થઇ
ઈડીએ બિટકોઈન પોન્ઝી સ્કેમમાં કુંદ્રા સામે આ કાર્યવાહી કરી હતી. ટાંચમાં લેવાયેલી સંપત્તિઓમાં પૂણેમાં આવેલો બંગલો અને ઈક્વિટી શેર પણ સામેલ છે. અહેવાલ છે કે ઈડીએ મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ તરફથી વન વેરિયેબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને આરોપી દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ સહિત અન્ય લોકો સામે એફઆઈઆર બાદ તપાસ શરૂ કરી હતી.
આ કેસના મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે
નોંધનીય છે કે ગયા વર્ષે સિમ્પી ભારદ્વાજની 2023ની 17મી ડિસેમ્બરે, નીતિન ગૌરની 2023ની 29મી ડિસેમ્બરે અને અખિલ મહાજનની 2023ની 16મી જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ હાલ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ પણ ફરાર છે, જેમની તપાસ એજન્સી (ED) દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 69 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકત જપ્ત કરી લીધી છે.