વાયનાડ પછી ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલન, વાદળ ફાટવા જેવી સ્થિતિ
સોનપ્રયાગના મુખ્ય બજારથી અંદાજે ૧ કિમી આગળનો રસ્તો ક્ષતિગ્રસ્ત
ભારે વરસાદના પગલે મંદાકિની નદીની જળ સપાટીમાં પણ વધારો
દહેરાદૂન, 2 ઓગસ્ટ,૨૦૨૪, શુ્ક્રવાર
વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ૨૦૦ કરતા પણ વધુ લોકોના મોત થયા છે બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૩૧ જુલાઇથી કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. કેદારનાથ વિસ્તારમાં ફરીથી વાદળ ફાટયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જો કે મૌસમ વિજ્ઞાાનની ગણતરી મુજબ એક કલાકમાં ૧૦૦ મીમી કરતા વધારે વરસાદ થાયતો તેને વાદળ ફાટવાની સ્થિતિ માનવામાં આવે છે. નૈનિતાલ અને દહેરાદૂનમાં એક કલાકમાં ૫૦ મીમી કરતા વધારે વરસાદ નોંધાયો હતો. વરસાદની બદલાઇ રહેલી પેટર્નને જળવાયુ પરિવર્તન સાથે જોડવામાં આવી રહી છે. પર્વતીય વિસ્તારોમાં ઓછા સમયમાં વધુ વરસાદ ભૂસ્ખલનની આફત લાવે છે. ચટ્ટાનોમાં પાણી વધારે સમય ભરાઇ રહેવાથી તૂટવા લાગે છે.
જયાંથી પગપાળા પસાર થવાતું હતું તે રસ્તાઓનું પણ નામોનિશાન મટી ગયું છે. ભારે વરસાદના લીધે જમીનની માટી નદીમાં તણાવાથી અને પહાડો સરકવાથી સોનપ્રયાગના મુખ્ય બજારથી અંદાજે ૧ કિમી આગળનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. એટલું જ નહી સોનપ્રયાગથી આગળ ગૌરીકુંડની આસપાસ જંગલ ચટ્ટી, ભીમબલી પોલીસ ચોકી વિસ્તાર અને લિંચોલી વિસ્તારમાં અનેક જગ્યાઓએ પગપાળા માર્ગમાં અવરોધ ઉભા થયા છે.
કેદારનાથમાં અંદાજે ૨૦૦ જેટલા યાત્રાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા જેમને સ્થાનિક પ્રશાસને દર્શન સલામત સ્થળે ખસેડયા છે. આસપાસની દુકાનો પણ ખાલી કરાવવામાં આવી હતી. ભારે વરસાદના પગલે મંદાકિની નદીની જળ સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો. જો કે તે ખતરાના નિશાન કરતા નીચે છે. દહેરાદૂનના મોસમ વિજ્ઞાન વિભાગે રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી મૌસમનો કુલ વરસાદ ૧૪૫ ટકા કરતા પણ વધારે થયો છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ ૧૬ ટકા જેટલું વધારે છે.