ગુજરાત-રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ગુજરાત-રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 1 - image


IMD Weather Update: દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. 

હવામાન વિભાગે આજે આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, બંગાળ, નોર્થ ઇસ્ટ, કેરલ સામેલ છે. તો બીજી તરફ ગુજરાતમાં ગત 7 દિવસથી ભારે  વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લા પૂરમાં જળમગ્ન બની ચૂક્યા છે. હવામાન વિભાગે અરબ સાગરમાં ઉદ્ભવેલા અસના ચક્રવાતને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં વાવાઝોડાની આંશિક અસર જોવા મળી શકે છે. કચ્છના ડીએમએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વીજકર્મી 1000 કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM ખભે ઊંચકીને લાવ્યા

31 ઑગસ્ટની આગાહી

આજે 31 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો ઍલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન ઍલર્ટ રહેશે.

1-2 સપ્ટેમ્બરની આગાહી 

1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 

બીજી તરફ, 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3થી 5 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની ભીતિ, 5 જિલ્લામાં દોઢથી અઢી ગણો વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

4 સપ્ટેમ્બરના દિવસે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 

દિલ્હીમાં ભારે પવન ફૂંકાશે

આઇએમડીના અનુસાર રાજધાની દિલ્હીમાં 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે નહીં. જો કે આ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને આકાશમાં વાદળો છવાયેલા રહેશે. મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24થી 25 ડિગ્રી વચ્ચે રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી છે. 

ઑક્ટોબરમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા

હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 15 સપ્ટેમ્બર સુધી અને 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જો કે, સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.


Google NewsGoogle News