દેશભરમાં આકાશી આફત! ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અતિ ભારે વરસાદ અને પૂરનું ઍલર્ટ

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
દેશભરમાં આકાશી આફત! ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અતિ ભારે વરસાદ અને પૂરનું ઍલર્ટ 1 - image


Rain In India: દેશના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છેલ્લા 48 કલાક કરતાં વધારે સમયથી વરસતાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્ર સહિત મુંબઈ અને ગોવામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના ઘણાં રાજ્યોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ જ રહેશે તેવી ચેતવણી જાહેર કરી છે. 

જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે એક નાળામાં આવેલા અચાનક પૂરમાં એક મહિલા અને તેના બે બાળકો તણાઈ ગયા હતા. 

ગુજરાતમાં પૂર જેવી સ્થિતિના કારણે ઘણાં જિલ્લાઓની વસ્તી પ્રભાવિત છે. રાજ્યમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે. નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 356 મીમી વરસાદ નોંધાયો છે. પાણીની સપાટી વધવાને કારણે સરદાર સરોવર ડેમના 30માંથી 23 દરવાજા ખોલવા પડ્યા હતા. નર્મદા નદીમાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને, ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોરબીમાં પૂરગ્રસ્ત નદી નાળાને પાર કરતી વખતે એક ટ્રેક્ટર ટ્રોલી ધોવાઈ ગઈ હતી, જેમાં 10 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ સાત લોકો હજુ પણ મળ્યા નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા 17,800 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.

દેશના ઘણાં ભાગોમાં, ખાસ કરીને મધ્ય અને પશ્ચિમી વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને અચાનક પૂરની ચેતવણી જારી કરી છે.

ત્રિપુરામાં પૂરના કારણે સ્થિતિ ગંભીર, કેન્દ્ર પાસેથી મદદ માંગવામાં આવી

તો આ સિવાય ઉત્તર પૂર્વમાં પણ ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. ત્રિપુરામાં પૂરના કારણે સ્થિતિ ગંભીર છે. રાજ્ય સરકારે કેન્દ્રને મદદ માટે અપીલ કરી છે. આગામી બે દિવસમાં ભારે વરસાદની સંભાવના છે, આવી સ્થિતિમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ગોમતી નદી ભયજનકના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં 471 રાહત શિબિરોમાં 70,000 લોકો રહે છે.

સોમવારે દિલ્હી-એનસીઆરમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. તેમજ વાતાવરણ પણ ખુશનુમા બની ગયું હતું. જો કે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો હિમાચલમાં 41 રસ્તાઓ વરસાદ અને ભૂસ્ખલનના કારણે બંધ છે. 211 પાવર પ્રોજેક્ટ પણ અટકી પડ્યા છે.

કેદારનાથ પગપાળા માર્ગ

ગૌરીકુંડ થઈને કેદારનાથ જતો માર્ગ 26 દિવસ પછી સોમવારે ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો. 31 જુલાઈના રોજ ભૂસ્ખલનને કારણે 19 કિલોમીટર લાંબો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો હતો. રસ્તો બંધ થવાને કારણે 11,000 શ્રદ્ધાળુઓ રસ્તામાં અટવાઈ ગયા હતા, જેમને ધીરે ધીરે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


Google NewsGoogle News