ગુજરાત સહિત દસ રાજ્યમાં બીજીથી સાતમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
IMD Forecast : ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાતમી સપ્ટેમ્બર સુધી ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, કેરલ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
02 સપ્ટેમ્બરની આગાહી
કેન્દ્રીય હવામાન વિભાગ પ્રમાણે, આવતી કાલે (02 સપ્ટેમ્બરે) મહારાષ્ટ્રના વિદર્ભમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના મરાઠવાડા, તેલંગાણા, ગુજરાતના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગ, આસામા અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
03-07 સપ્ટેમ્બરની આગાહી
03 સપ્ટેમ્બરે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 03-07 સપ્ટેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ-ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતી કાલે (02 સપ્ટેમ્બર) અને 03 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. જ્યારે પાંચ સપ્ટેમ્બર પછી રાજ્યમાં રાહત રહેશે.
આ પણ વાંચો : ગુજરાતના આ સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગે સતર્ક રહેવા જણાવ્યું
આગામી દિવસમાં ભારે વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. આ સાથે સોશિયલ મીડિયામાં વરસાદી હવામાન સંબંધિત અપડેટ મેળવવા અને હંમેશા ઘરમાં મેડિકલ કિટ રાખવા જણાવ્યું હતું.