ગુજરાત જ નહીં દેશભરમાં વરસાદી કહેર, હજુ બે દિવસ માટે હવામાન વિભાગની ચેતવણી

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
india rain forecast


Rain Forecast: ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 ઓગસ્ટટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ તમામ રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. હજુ 27 ઓગસ્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી પણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

27 ઓગસ્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. મુશળધાર વરસાદથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સમસ્યા સર્જાઈ શકે છે. 28મી ઓગસ્ટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, આસામ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ત્યાર બાદ 29 ઓગસ્ટે ગુજરાત અને કર્ણાટકના ભાગોમાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

ત્રિપુરા માટે કેન્દ્ર પાસેથી વિશેષ પેકેજની માંગ

કોંગ્રેસના ત્રિપુરા એકમે રાજ્યમાં પૂરને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ પેકેજની માંગ કરી છે. ત્રિપુરા રાજ્યમાં પૂરમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય સુદીપ રોય બર્મને જણાવ્યું હતું કે, "પૂરથી થયેલું નુકસાન ઘણું મોટું છે. સર્વપક્ષીય બેઠકમાં, અમે રાજ્ય અને તેના લોકોના પુનર્નિર્માણ માટે મુખ્યમંત્રી માનિક સમક્ષ કેટલીક દરખાસ્તો મૂકી હતી."

રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પાંચ શ્રદ્ધાળુઓ તણાયા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ દૌસામાં 144.0 મીમી અને પશ્ચિમ રાજસ્થાનના જાલોરના રાનીવાડામાં 65 મીમી નોંધાયો હતો. રાજસ્થાનના જાલોરમાં પાણીના જોરદાર પ્રવાહમાં પાંચ શ્રદ્ધાળુઓ તણાયા હતા, જેમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું અને અન્યની શોધખોળ ચાલુ છે. ઉદયપુર, ધોલપુર, બાંસવાડા, પ્રતાપગઢ, કોટા, બરાન, અજમેર, ભીલવાડા, ટોંક, જાલોર, દૌસા, સવાઈ માધોપુર અને સિરોહી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે જાલોરના જસવંતપુરા સબડિવિઝનમાં ભારે વરસાદને કારણે પર્વતમાંથી પાણી સુંધા માતા મંદિરની સીડીઓ પર વહેવા લાગ્યું. જોરદાર પ્રવાહમાં પાંચ શ્રદ્ધાળુઓ તણાયા, જેમાંથી એક મહિલાનું મોત થયું. હવામાન વિભાગે સોમવાર સુધી કોટા, ઉદયપુર અને જોધપુર ડિવિઝનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 27 ઓગસ્ટથી ભારે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે.


Google NewsGoogle News