કેબિનેટનો મોટો નિર્ણય, તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાની કરી જાહેરાત
Chhath And Diwali Special Train : કેન્દ્રીય કેબિનેટે છઠ પૂજા તેમજ દિવાળી સહિતના તહેવારોને ધ્યાને લઈ રેલવેના મુસાફરોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટે તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવા માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય રેલ્વે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું કે, કેબિનેટના નિર્ણયથી બે લાખ મુસાફરોને મોટી રાહત થશે. આ સાથે બે મોટા રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.
કૃષ્ણા નદી પર 3.2 કિમી લાંબો પૂલ બનશે
વૈષ્ણવે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં રેલવે પ્રોજેક્ટ હેઠળ અમરાવતી માટે એક રેલવે લાઈન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કૃષ્ણા નદી પર 3.2 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવશે. આ પુલ અમરાવતીને હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા અને નાગપુરથી જોડશે.
બિહાર-યુપી માટે પણ મોટી જાહેરાત
આ ઉપરાંત ઉત્તર 4553 કરોડ રૂપિયાના ખર્ચે બિહારને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડવા માટે નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર રેલવે લાઈનનું ડબલિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક મુસાફરોને ફાયદો થશે.
3050 ટ્રેનો દોડાવવાની જાહેરાત
ભારતીય રેલવેએ તહેવારોને ધ્યાને રાખી તાજેતરમાં જ 3050 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી. આમાંની મોટાભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યો તરફ દોડશે. રેલવેએ ગયા વર્ષે 1082 વિશેષ ટ્રેનો દોડાવી હતી.